Halol

હાલોલમાં કેરલા સમાજ દ્વારા ઐયપ્પા ઉત્સવની ભવ્ય ઉજવણી, નગરમાં નીકળી શોભાયાત્રા

હાલોલ |
હાલોલ શહેરમાં કેરલા સમાજ દ્વારા ભગવાન શ્રી ઐય્યપ્પા ઉત્સવની ઉજવણી ગુરુવારના રોજ હર્ષોલ્લાસ અને ધાર્મિક ભાવનાથી કરવામાં આવી હતી. હાલોલ–ગોધરા રોડ પર આવેલ ઐય્યપ્પા ભગવાનના મંદિરે વિધિવત પૂજા-અર્ચના બાદ વર્ષોની પરંપરા મુજબ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

દીવા સાથે મહિલાઓની કતાર, ભજનોથી મંત્રમુગ્ધ માહોલ

શોભાયાત્રામાં કેરલા સમાજની યુવતીઓ અને મહિલાઓ હાથમાં દીવા લઈને કતારબંધ રીતે જોડાતાં નગરમાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. આ સાથે કેરલા થી આવેલ વિશેષ ભજન મંડળીએ સુરતાલ સાથે ભક્તિભર્યા ભજનો રજૂ કરતાં સમગ્ર માહોલ મંત્રમુગ્ધ બની ગયો હતો.

શબરીમાલાની પરંપરા મુજબ ઉજવણી

કેરલા રાજ્યમાં શબરીમાલા ખાતે ભગવાન ઐય્યપ્પાનું મુખ્ય મંદિર આવેલું છે. તે પરંપરાને અનુસરી દર વર્ષે હાલોલમાં પણ ઐય્યપ્પા ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે. હાલોલ ખાતે નીકળેલી શોભાયાત્રા દરમિયાન હાલોલ બજારની મુખ્ય મસ્જિદ પાસે વિશેષ ધૂન વગાડી પરસ્પર આદર વ્યક્ત કરવામાં આવ્યો હતો, જે શહેરની સહઅસ્તિત્વ અને સૌહાર્દની પરંપરાનું પ્રતિબિંબ છે.

32 વર્ષથી અવિરત પરંપરા

આ ઉત્સવની ઉજવણી છેલ્લા 32 વર્ષથી સતત કરવામાં આવી રહી છે. ઉત્સવને સફળ બનાવવા કેરલા સમાજના અગ્રણીઓ અને મંદિર કમિટીના સભ્યો દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. શોભાયાત્રામાં કેરલા સમાજના અગ્રણીઓ સાથે મોટી સંખ્યામાં નગરજનો પણ જોડાયા હતા.

અહેવાલ: યોગેશ ચૌહાણ

Most Popular

To Top