Halol

હાલોલમાં કાર ભાડે રાખી ગાયબ કરનાર ભેજાબાજ ઝડપમાં

માસિક ₹30 હજાર ભાડાની લાલચ આપી કાર ન પરત કરતા હાલોલ પોલીસમાં છેતરપિંડીનો ગુનો નોંધાયો
હાલોલ, તા.18-02-2026 |
હાલોલ વિસ્તારમાં કાર ભાડે રાખીને ગાયબ કરી દેતા ભેજાબાજ સામે હાલોલ પોલીસ મથકે વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો નોંધાયો છે. ઝાલોદના યુવક પાસેથી માસિક ₹30 હજાર ભાડાની લાલચ આપી આર્ટિગા કાર લઈ, ન તો ભાડું ચૂકવાયું ન તો કાર પરત અપાઈ હોવાનું સામે આવ્યું છે. તપાસ દરમિયાન આ ભેજાબાજે માત્ર એક નહીં પરંતુ અન્ય દસ જેટલા લોકોને પણ આવી રીતે છેતર્યા હોવાનું ખુલ્યું છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ દાહોદ જિલ્લાના ઝાલોદ ગામના કુંભારવાસમાં રહેતા મહેશભાઈ વાલાભાઈ પ્રજાપતિ (ઉ.વ.34) કપડાંની લારી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. આશરે નવ મહિના પહેલા તેમને આર્ટિગા કાર લેવાની ઈચ્છા હતી, પરંતુ લોન ન મળતા મિત્રના નામે કાર ખરીદી હતી. સાસરી ફતેપુરા હોવાથી ત્યાં આવજાવ દરમિયાન ફિરદોસભાઈ નાગુજી સાથે મુલાકાત થઈ હતી, જેમણે કાર ભાડે મુકવા બદલ દર મહિને ₹30 હજાર આપવાની વાત કરી હતી.
પછી હાલોલના તનનું હોટલ પાસે મહાલક્ષ્મી કોમ્પ્લેક્સમાં રહેતા અરવિંદભાઈ ઉર્ફે કરણભાઈ રમણભાઈ વાદી સાથે મુલાકાત કરી કાગળ લખાપટી કરીને 7 જાન્યુઆરીએ કાર સોંપી દેવાઈ હતી. બાદમાં ભાડું કે કાર ન મળતા અને ફોન સ્વિચઓફ આવતા શંકા જાગી હતી. તપાસમાં અન્ય લોકોની કાર પણ ગાયબ કર્યાનું બહાર આવતા મહેશભાઈએ હાલોલ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

રિપોર્ટર: યોગેશ ચૌહાણ

Most Popular

To Top