હાલોલમાં રહેતા 21 વર્ષીય યુવકના અચાનક મોતથી શોકની લાગણી
હાલોલ: નગરના ગોધરા રોડ પનોરમા ચોકડી નજીક સાથ રોટા તરફ જવાના માર્ગ પર આવેલી ખોડીયાર નગર સોસાયટીમાં રહેતા એક પરપ્રાંતીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવતાં સમગ્ર વિસ્તારમાં દુઃખની લાગણી પ્રસરી જવા પામી છે.
પ્રાપ્ત માહિતી મુજબ મધ્યપ્રદેશના બલખડ ગામનો રહેવાસી અને હાલ ખોડીયાર નગર સોસાયટીમાં રહેતો 21 વર્ષીય પવન કુશ વાહ નામનો યુવક ગઈકાલે કોઈક કારણોસર ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી બેઠો હતો. પવન છેલ્લા બે વર્ષથી હાલોલમાં રહી સોસાયટી નજીક આવેલી એક કરિયાણાની દુકાનમાં નોકરી કરતો હતો.
બનાવની જાણ થતા હાલોલ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી મૃતદેહને આગળની કાયદેસરની કાર્યવાહી માટે મોકલી આપ્યો છે. યુવકે આ અતિશય પગલું કયા કારણોસર ભર્યું તે અંગે હાલ સુધી કોઈ ચોક્કસ કારણ બહાર આવ્યું નથી.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને યુવકના મૃત્યુ પાછળના કારણો અંગે તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટતા થઈ શકશે. અચાનક બનેલી આ ઘટનાથી સોસાયટીના રહીશો અને પરિચિતોમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો.