પ.પૂ. શ્રીમદ કરુણાસાગર મહારાજના જન્મદિન નિમિત્તે નગરમાં શોભાયાત્રા
હાલોલ |
હાલોલ નગરના સુથાર ફળીયા વિસ્તારમાં સત કૈવલ મંદિર ખાતે મહાબીજ પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. સત કૈવલ મંદિર સત્સંગ મંડળ દ્વારા પ.પૂ. શ્રીમદ કરુણાસાગર મહારાજના જન્મદિન મહોત્સવ નિમિત્તે તા.20 જાન્યુઆરી, મંગળવારના રોજ આ ધાર્મિક પર્વ ઉજવાયો હતો.

પ્રભાત ફેરીથી કાર્યક્રમોની શરૂઆત
મંદિરે એકત્ર થયેલા ભક્તોએ વહેલી સવારે પ્રભાત ફેરી યોજી હતી. ત્યારબાદ આરતી-ઉપાસના કરવામાં આવી અને ભક્તિસભર માહોલ વચ્ચે નગરના મુખ્ય માર્ગો પર ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. વાજતે-ગાજતે સુશોભિત બગીમામાં પરમગુરુની પ્રતિમા બિરાજમાન કરી શોભાયાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં સત કૈવલ સાહેબ પરિવારના ભક્તો જોડાયા હતા.
આ પ્રસંગે કૈવલ વેત્તા પરમગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજના પ્રાગટ્યના 253 વર્ષ પૂર્ણ થતા તથા 254માં વર્ષમાં પ્રવેશના અવસરે મંદિર ખાતે દીપ પ્રગટાવી વિશેષ આરતી અને ઉપાસના કરવામાં આવી હતી.
ભજન, સત્સંગ અને સાંસ્કૃતિક કાર્યક્રમો
આ ઉત્સવ દરમિયાન ભજન સંધ્યા, સત્સંગ તથા નાટક વેશભૂષાના કાર્યક્રમો યોજાયા હતા. બાળકોને ધાર્મિક પ્રવૃત્તિઓ તરફ પ્રોત્સાહન મળે તે હેતુથી ઇનામ વિતરણ કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ ભક્તિ, આનંદ અને ઉત્સાહના વાતાવરણમાં સંપન્ન થયો હતો.
રિપોર્ટર: યોગેશ ચૌહાણ