નગરપાલિકાના મુખ્ય અધિકારી તેમજ દુકાનદારો વચ્ચે તૂ તૂ મેં મેં ના દ્રશ્યો જોવા મળ્યા
હાલોલ:
હાલોલ નગરના પાવાગઢ રોડ પર તળાવની સામેનું પુરાણી શોપિંગ સેન્ટર જર્જરીત થઈ જતા નગરપાલિકા દ્વારા સોમવારના રોજ શોપિંગ સેન્ટરની તમામ દુકાનો પર બુલડોઝર ફેરવી જમીનદોસ્ત કરી દેવામાં આવી છે.
હાલોલ નગરના પાવાગઢ રોડ પર અંદાજિત ૩૦ વર્ષ જૂનું પુરાણી શોપિંગ સેન્ટર જર્જરીત હાલતમાં નગરપાલિકાને જણાવાઈ આવતા નગરપાલિકા દ્વારા આ શોપિંગ સેન્ટરને ઉતારી લેવા માટે સને ૨૦૧૫ નોટિસ આપી ઉતારી લેવા જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ શોપિંગ સેન્ટર યથાવત રહેતા સને ૨૦૨૪માં આ જર્જરીત શોપિંગ સેન્ટર ઉતારી લેવા નગરપાલિકા દ્વારા નોટિસ પાઠવવામાં આવી હતી. તેમ છતાં આ શોપિંગ સેન્ટર યથાવત રહેતા પાલિકા દ્વારા આજરોજ બપોર બાદ પાલિકાના મુખ્ય અધિકારી હિરલ ઠાકર તેમજ તેઓની ટીમ બુલડોઝર સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પુરાણી શોપિંગ સેન્ટર ખાતે પહોંચી ૨૪ જેટલી દુકાનો જમીનદોસ્ત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
જોકે નગરપાલિકાની ટીમ પુરાણી શોપિંગ સેન્ટરને તોડવા પહોંચી ત્યારે શોપિંગ સેન્ટરના હાલના દુકાનદારો દ્વારા પ્રાથમિક તબક્કે તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં નગરપાલિકાના મુખ્ય અધિકારી તેમજ દુકાનદારો વચ્ચે તૂ તૂ મેં મેં ના દ્રશ્યો જોવા મળ્યા હતા. પુરાણી શોપિંગ સેન્ટર તોડવાની કામગીરી હાથ ધરાતા નગરજનોના મોટી સંખ્યામાં ટોળા એકઠા થઈ ગયા હતા.
જ્યારે આજની કામગીરીને લઈને નગરપાલિકાના મુખ્ય અધિકારીને પૂછતા તેઓએ જણાવ્યું હતું. કે થોડા દિવસો અગાઉ આની પાછળના ભાગમાં એક જર્જરીત મકાન ઘરાસાયી થઈ ગઈ હોય આ શોપિંગ સેન્ટરને તાત્કાલિક તોડવાની ફરજ પડી હોવાનું તેઓએ જણાવ્યું હતું. જ્યારે તેઓએ વધુમાં જણાવ્યા અનુસાર કોર્ટમાં આ અંગે દાવા અરજી દાખલ કરી અને તેમાં નગરપાલિકાને જોતરી હતી. પરંતુ નગરપાલિકાને માલિક અને ભાડુઆત વચ્ચે કોઈ લેવાદેવા નથી નગરપાલિકાએ જે કામગીરી કરી છે તે ફક્ત જર્જરીત મકાનો ઉતારી લેવાની કરી છે. તાજેતરમાં આ બિલ્ડીંગની પાછળ એક મકાન ધરાશાયી થઈ હોય તાકીદે આ શોટિંગ સેન્ટર તોડવાની ફરજ પડી છે, તેમ મુખ્ય અધિકારીએ જણાવ્યું હતું. જોકે આ શોપિંગ સેન્ટર કોની માલિકીનું છે, તેમ પૂછતા તેઓએ કોઈ ડોક્ટરની માલિકીનું હોવાનું જણાવ્યું છે. જ્યારે આ તમામ દુકાનદારો ભાડુઆત હોવા અંગે કોઈ જાણકારી ન હોવાનું તેઓ તરફથી જણાવવામાં આવ્યું છે.