હાલોલ: હાલોલ શહેરના ભરચક એવા બસસ્ટેન્ડ સામે કપડાંની દુકાન ચલાવતા પિતા પુત્ર પર ચાર હુમલાખોરોએ જૂની અદાવત રાખી ચેટિંચાંદના દિવસે દુકાન કેમ ખુલ્લી રાખી હતી કહી હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા વિસ્તારમાં અફડાતફડી સાથે ભયનો માહોલ ફેલાયો હતો. હુમલાની ઘટના દુકાનના સીસીટીવી કેમેરામાં આવી જતા પોલીસે ચાર હુમલાખોરો સામે નામજોગ પોલીસ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

હાલોલ બસસ્ટેન્ડ સામે આવેલ રાધે ફેશન રેડીમેડ કપડાંની દુકાનમાં ગત રોજ બપોરે શ્યામકુમાર ઇશ્વરદાસ મુલચંદાની પુત્ર વિજય મુલચંદાની અને દુકાનનો સ્ટાફ હાજર હતો. દરમિયાન હાલોલ નિતાનગર માં રહેતા વિશાલ પરસોત્તમ દાસ સુખવાની, પરસોત્તમ દાસ તિરથ દાસ સુખવાની, પ્રદીપ તીરથદાસ સુખવાની આવી દુકાનદાર પિતા પુત્રને બહાર બોલાવી મા બેનની ગાળો બોલી ચેટિંચાંદના દિવસે તમે દુકાન કેમ ખુલ્લી રાખી હતી, કહી ઝગડો કરતા દુકાનદાર દુકાનમાં જતા રહ્યા હતા. તેમછતાં ઉશ્કેરાયેલા વિશાલ. કેયુર .પરસોત્તમ અને પ્રદીપે દુકાનમાં પ્રવેશ કરી પુત્ર વિજયને દુકાન ની બહાર ખેંચી લાવી લાફા ઝીકી ગડદાપાટુ નો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી ભાગી જતા વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો. પોલીસે હુમલાખોર પિતા પુત્ર સહિત ચાર લોકો સામે દુકાનમાં ગેરકાયદે પ્રવેશ હુમલો. જાનથી મારી નાખવાની ધમકી સબબનો ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

ઘટનામાં હુમલાખોરો નો ભોગ બનનનાર વિજય મુલ ચંદાણીએ જણાવ્યું હતું કે આ હુમલાની ઘટના જૂની અદાવતમાં કરાઈ છે. હું 11 વર્ષ થી જે લોકોએ હુમલો કર્યો છે એમની દુકાનમાં નોકરી કરતો હતો. પાંચ વર્ષ પહેલાં મેં બસસ્ટેન્ડ સામે મેં અને મારા પિતાએ રેડીમેડ કપડાંની દુકાન ખોલી, અમે ચલાવીએ છીએ. જે આ લોકો ને ગમતું ના હોય એની અદાવત રાખી ચેટીચાંદના દિવસે દુકાન ખુલ્લી રાખવાનું બહાનું કરી ઝગડો કરી હુમલો કરાતા અમારો પરિવાર ખૂબ ઘબરાઈ ગયો છે અમે પોલીસને હુમલાની ઘટનાના સીસીટીવી આપ્યા છે.
