Vadodara

હાલની કોર્પોરેશન બરખાસ્ત કરી ચૂંટણી જાહેર કરો, દૂધ નું દૂધ અને પાણી નું પાણી થઈ જશે: ભથ્થું

ભાજપ કામ નહિ કાંડ કરે છે, ચંદ્રકાંત શ્રીવાસ્તવનો આક્ષેપ




પ્રતિનિધિ વડોદરા તા. 14
વડોદરા શહેરની વિશ્વામિત્રી નદીમાં આવેલા પૂરને કારણે નગરજનોનું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું. અબજો રૂપિયાનું નુકસાન શહેરના નાગરિકોને થયું. બે વખત શહેરમાં આવેલું પુર માનવસર્જિત હતું તેવી ચર્ચાઓએ શહેરમાં જોર પકડ્યું છે. વડોદરા ભારતીય જનતા પાર્ટી દ્વારા ગત ગુરુવારે પત્રકાર પરિષદનું આયોજન કરી વડોદરા ભાજપ પ્રમુખે જણાવેલું કે માટે ભારતીય જનતા પાર્ટી એક માત્ર પાર્ટી છે જેને પુરના પાણી માં ઘર ઘર સુધી રાહત સામગ્રી અને મદદ પહોંચાડી છે. બીજી કોઈજ પાર્ટી દ્વારા મદદ પહોચાડવામાં આવી નથી ત્યાર બાદ ભાજપ પ્રમુખ ડૉ. વિજય શાહે એમ પણ જણાવેલું કે કોંગ્રેસ જુઠ્ઠાણાં ની રાજનીતિ કરે છે. ભાજપના આ દાવા સામે વિપક્ષે આક્ષેપ કર્યો છે કે આ માનવ સર્જિત નહીં પરંતુ સરકાર સર્જિત પૂર હતું. કારણ કે જે પ્રકારની પ્રિ મોન્સુન ની કામગીરી વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી અને જે પ્રકારના દબાણ વિશે શહેરમાં ચર્ચા ચાલે છે કે વિશ્વામિત્રી નદીના તટ પર બિલ્ડરો દ્વારા દબાણો કરવામાં આવ્યા છે , જે બાબતે વડોદરા મહાનગરપાલિકા ના તંત્રના પેટનું પાણી પણ નથી હલતું. પૂરની પરિસ્થિતિ દરમિયાન રાજકીય નેતાઓ, સામાજિક સંસ્થાઓ અને તંત્ર લોકો સુધી મદદ પહોંચાડવા ના પ્રયાસો કરતું હતું. પરંતુ ક્યાંક ને ક્યાંક નગરજનોમાં રાજકીય નેતા વિરુદ્ધ અને તંત્ર વિરુદ્ધ રોષ પણ જોવા મળ્યો હતો.

વડોદરા શહેરમાં પૂરના પાણી ઓસરી ગયા બાદ સરકાર દ્વારા પૂરગ્રસ્ત લોકોને કેશ ડોલ અને ઘરવખરી ની સહાય કરવામાં આવી પરંતુ ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં સુધી આ સહાય પહોંચી પણ ન હતી અને જ્યાં સુધી સહાય પહોંચી ત્યાંના લોકો આ સહાયથી અસંતુષ્ઠ જોવા મળ્યા હતા. અસંતુષ્ટ પૂરગ્રસ્ત લોકોનો અવાજ સરકાર સુધી પહોંચાડવા માટે વડોદરા કોંગ્રેસ દ્વારા તા. 12-09-2024 ના રોજ જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું .જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ રેલી દરમિયાન લોકો સરકાર થી કેટલા નારાજ છે તે પણ જોવા મળ્યું હતું.

આ સમગ્ર મામલે વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ દ્વારા જણાવવામાં આવ્યું કે હાલ સત્તામાં ભારતીય જનતા પાર્ટી છે અને વડોદરા શહેરમાં બંને વખત આવેલા પૂર માટે તે જવાબદાર છે. સત્તા પક્ષ પૂરની પરિસ્થિતિ ને નિયંત્રિત કરવામાં નિષ્ફળ નિવડ્યું હતું. શહેરમાં આવેલું પુર તો માનવસર્જિત નહીં પરંતુ સરકાર સર્જિત હતું. અને જ્યારે લોકોને જરૂર હતી તે સમયે તેમના નેતાઓ લોકો સુધી પહોંચી શક્યા ન હતા. કેશ ડોલ ના નામે પ્રતિ વ્યક્તિ પ્રતિદિન ₹ 100ની વહેચણી કરીને પૂરગ્રસ્ત લોકો સાથે મજાક કરવામાં આવી હતી. જો ભારતીય જનતા પાર્ટી એવું કહેતી હોય કે કોંગ્રેસ નાટક કરે છે અને જુઠ્ઠાણું ફેલાવી રહી છે તો પછી કાલ ઊઠીને ભારતીય જનતા પાર્ટી એવું પણ કહેશે કે વધારે વરસાદ આવ્યો છે તેની માટે પણ કોંગ્રેસ જવાબદાર છે. ભારતીય જનતા પાર્ટી કામ નથી કરતી પણ કાંડ કરે છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે જન આક્રોશ રેલીમાં જે લોકો જોડાયા હતા તે લોકો ત્રણ ત્રણ દિવસ સુધી પાણીમાં રહ્યા છે અને તેમના સુધી કોઈ પણ પ્રકારની સહાય કે ખાદ્ય સામગ્રીની કીટ પહોંચી નથી. અને જ્યારે લોકો મોટી સંખ્યામાં જન આક્રોશ રેલીમાં જોડાયા હતા ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો તેનો વિરોધ કરવા માટે પહોંચ્યા હતા. વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ એ મહત્વનું નિવેદન આપ્યું હતું કે જો સત્તા પક્ષે કામ કર્યું હોય તો હમણાં જ વડોદરા હાલની કોર્પોરેશન બરખાસ્ત કરીને ફરીથી ચૂંટણી કરાવો ખ્યાલ આવી જશે જુઠ્ઠાણું કોણ ફેલાવે છે.

Most Popular

To Top