હીટવેવના કારણે વધુ એકનું મોત જ્યારે બે દર્દી સારવાર હેઠળ
એક તરફ ગરમીના પારામાં ઘટાડો નોધાયો છે ત્યારે બીજી તરફ વાદળછાયા વાતાવરણના કારણે બફારાના પ્રમાણમાં વધારો થતો જોવા મળી રહ્યો છે જેને કારણે અનેક લોકો ત્રાહિમામ પોકારતા જોવા મળી રહ્યા છે. લોકો ઘરની બહાર નીકળવાનું પણ ટાળતા હોય છે. બપોર દરમ્યાન મોટાભાગના રાજમાર્ગો સુમસામ હાલતમાં જોવા મળતા હોય છે. અમુક લોકો મજબુરીને કારણવશ થઈને કામકાજ માટે કે નોકરી ધંધા માટે ભર બપોરે બહાર જોવા મળતા હોય છે. ઓફીસ વર્ક કરતા લોકો પણ ઓફીસમાં જ કામ કરવાનું પસંદ કરતા હોય છે. ત્યારે વીતેલા ચોવીસ કલાકમાં સમગ્ર શહેર – જીલ્લામાં ગભરામણ અને છાતીમાં દુખાવાના કારણે વધુ એકનું મોત થયું હતું. જ્યારે બે દર્દીઓ સારવાર હેઠળ જોવા મળ્યા હતા.
સતત વધતા જતા તાપમાનના પારા વચ્ચે હાલ થોડા દિવસોથી તાપમાનના પારા વચ્ચે ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે પણ દિવસ દરમ્યાન મહત્તમ તાપમાનનો પારો ૩૯.૨ સેન્ટીગ્રેટ ડીગ્રી જોવા મળ્યો હતો. જ્યારે લઘુતમ તાપમાનનો પારો ૨૮.૪ સેન્ટીગ્રેટ ડીગ્રી જોવા મળ્યો હતો. એક તરફ ૪૦ ૪૫ ડીગ્રી તાપમાન વચ્ચે પારો ૩૯ ડીગ્રી થયો છે. ત્યારે એક તરફ લોકોમાં રાહત જોવા મળી રહી છે પરંતુ બપોર દરમ્યાન અસહ્ય તાપ અને બફારાના કારણે લોકો વ્યાકુળ બન્યા હતા. મોટા ભાગે લોકો સાંજ દરમ્યાન જ બહાર નીકળતા જોવા મળી રહ્યા. છે. સાંજ દરમ્યાન લોકો બફારાથી રાહત મેળવવા માટે શેરડીનો રસ, બરફનો ગોળો તેમજ આઈસ્ક્રીમની મજા ઉઠાવતા જોવા મળી રહ્યા છે. સાથે જ વધતા જતા બફારાના કારણે બીમારીઓમાં પણ વધારો થતો જોવા મળ્યો છે. એક તરફ પાણીજન્ય રોગ તો બીજી તરફ હીટવેવની અસર પણ લોકોમાં જોવા મળી રહી છે. જેને કારણે સયાજી હોસ્પીટલમાં અલાયદો વોર્ડ પણ શરુ કરવામાં આવ્યો છે. આજે વીતેલા ચોવીસ કલાકમાં મૂળ હાલોલના ૪૧ વર્ષીય નાયક અર્જુનભાઈ સયાજી હોસ્પીટલમાં હીટવેવથી અસરગ્રસ્ત દર્દીઓ માટે બનાવવામાં આવેલા વોર્ડમાં સારવાર મેળવી રહ્યા હતા. તે દરમ્યાન તેઓનું આજે સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. આ વોર્ડમાં એક મહિલા અને પુરુષ સારવાર મેળવી રહ્યા છે.જ્યારે એક દર્દી વેન્ટીલેટર પર સારવાર મેળવી રહ્યા છે.