વારંવાર રજૂઆત છતાં પાલિકા દ્વારા યોગ્ય કામગીરી ન થતાં સ્થાનિકોએ રસ્તો રોકી વિરોધ નોંધાવ્યો
(પ્રતિનિધિ), વડોદરા. તા. 7
વડોદરા શહેરના હાથીખાના ખત્રીવાડ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ઊભરાતી ડ્રેનેજના કારણે સ્થાનિક રહીશો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ગંદું પાણી અને દુર્ગંધથી વિસ્તારનું વાતાવરણ બગડી ગયું છે, જેના કારણે આરોગ્ય જોખમમાં મુકાયું હોવા છતાં તંત્ર દ્વારા કોઈ કાયમી પગલાં લેવામાં ન આવતા આજે સ્થાનિકોએ રસ્તો રોકી વિરોધ પ્રદર્શન કર્યું હતું.

પ્રાપ્ત વિગતો અનુસાર, ખત્રીવાડ વિસ્તારમાં ડ્રેનેજ વારંવાર બ્લોક થઈ જાય છે, જેના કારણે ગંદું પાણી રસ્તા અને ઘરોની આગળ ફરી વળે છે. સ્થાનિકોએ મ્યુનિસિપલ કોર્પોરેશનને મૌખિક તથા લેખિત રીતે અનેક વખત રજૂઆત કરી હોવા છતાં માત્ર તાત્કાલિક સફાઈ કરી દેવામાં આવે છે અને સમસ્યાનો કાયમી ઉકેલ આવતો નથી.

આ સ્થિતિથી કંટાળીને આજે મોટી સંખ્યામાં સ્થાનિકો એકત્ર થયા હતા અને મુખ્ય રસ્તા પર ચક્કાજામ કરી સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો. સ્થાનિકોએ નવી ડ્રેનેજ વ્યવસ્થા તાત્કાલિક શરૂ કરવાની માંગ કરી છે અને જો માંગણીઓ નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે.