બગડેલા રસ્તા અને વેચાઈ રહેલા ભેળસેળવાળા ખાદ્ય પદાર્થો મુદ્દે ધારાસભ્યની ટકોર :
માત્ર બે ધારાસભ્ય હાજર રહેતા સંકલન બેઠકની અસરકારકતા ઉપર સવાલ ઉઠ્યા :
( પ્રતિનિધિ )વડોદરા,તા.16
વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે સંકલનની બેઠક મળી હતી. મહિનાના અંતે શનિવારે યોજાતી આ બેઠકમાં સામાન્ય રીતે શહેર જિલ્લાના તમામ ધારાસભ્ય અને સાંસદ હાજર રહેતા હોય છે. પરંતુ આ બેઠકમાં માત્ર બે જ ધારાસભ્ય માંજલપુર વિધાનસભાના યોગેશ પટેલ અને અકોટા વિધાનસભાના ધારાસભ્ય હાજર રહ્યા હતા. બાકીના ધારાસભ્યોની ગેરહાજરીએ ફરી એક સંકલન બેઠકની અસરકારકતા ઉપર સવાલ ઊભો કર્યો છે.

વડોદરા મહાનગર પાલિકામાં સંકલનની મળેલી બેઠકમાં માંજલપુર વિધાનસભાના ધારાસભ્ય યોગેશ પટેલે તેમના વિસ્તારમાં બગડેલા રોડ રસ્તા અને શહેરમાં વેચાઈ રહેલા ભેળસેળ વાળા ખાદ્ય પદાર્થોની ગંભીર બાબત મ્યુનિસિપલ કમિશનર સમક્ષ મૂકીને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, આજે ખાસ કરીને સંકલન બેઠક મળી હતી. એમાં માંજલપુર વિસ્તારના રસ્તાના કામ, દબાણના કામો, રસ્તા ખોલવાના કામો, 24 મીટરના રોડની વાત છે. આ બધી ચર્ચાઓ થઈ હતી અને જલ્દીથી એનો ઉકેલ આવશે. પરંતુ, ખાસ કરીને ભેળસેળની વાતનો પણ મુદ્દો ઉઠાવ્યો હતો. જે લોકો વારંવાર આરોગ્ય વિભાગ રેડ કરે છે અને પકડાઈ જાય છે. એટલે ભેળસેળ થાય છે અને પછી પાછું એ ભેળસેળ વાળી વસ્તુઓ તેલ હોય કે અન્ય વસ્તુઓ હોય આજે વેચાય છે. એ માટે શું કરશો ? એ માટેના પ્રશ્નોનો જવાબ આરોગ્ય વિભાગ એવો આપ્યો છે કે, હવે એના લાયસન્સ રદ કરીશું. એટલે આવા જે પણ ભેળસેડીયા તત્વો હોય એમણે એમની કાયમ પોતાની પ્રવૃત્તિ ચાલુ રાખે છે અને હાથીખાનામાં પણ આવી ઘણી દુકાનો છે કે જે ભેળસેળવાળી વસ્તુઓ વેચે છે. ત્યાં પણ રેડ કરવાની જરૂર છે. ત્યાં પણ જે કાયમી લોકો પકડાય છે. એ લોકોને સીલ કરો એ લોકોનું લાયસન્સ રદ કરો એ માટેની ખાસ રજૂઆત કરી છે.