રિપોર્ટમાં ગેરકાયદેસર રીતે કોન્ટ્રાક્ટ અપાયાનો ખુલાસો પણ સહી કરનાર કમિશનર જવાબદાર નહીં ?
જે પ્રમાણેના શબ્દોમાં રિપોર્ટ તૈયાર થયો છે તે જોતા સમગ્ર દોષનો ટોપલો ટેકનિકલ ટીમ અને કોન્ટ્રાક્ટરો પર નાખી દેવાની કોશિશ થતી હોય તેવું લાગી રહ્યું છે : હાઈકોર્ટ
( પ્રતિનિધિ ) વડોદરા તા.27
વડોદરામાં બનેલી હરણી બોટ કાંડ દુર્ઘટના મામલે હાઈકોર્ટમાં સુઓમોટો અરજીની મુખ્ય ન્યાયમૂર્તિ સુનિતા અગ્રવાલ અને જજ પ્રણવ ત્રિવેદીની બેચમાં સુનાવણી હાથધરાઈ હતી. જેમાં અગાઉ હાઈકોર્ટે સુનાવણી વખતે આપેલ આદેશ પ્રમાણે શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપાલ સેક્રેટરીનો તપાસ રિપોર્ટ બંધ કવરમાં રજૂ કરવામાં આવ્યો હતો. જેને વાંચતા જ સખત નારાજગી હાઈકોર્ટે વ્યક્ત કરી હતી તેમજ કમિટીએ સમયના મ્યુનિસિપલ કમિશ્નરને બચાવવા માટે રિપોર્ટ રજૂ કર્યો હોય તેવું લાગે છે તેમ કહ્યું હતું.
સમગ્ર રાજ્ય સહિત વડોદરામાં ચકચારી જગાવનાર હરણી બોટ કાંડ મામલે થયેલી સુવો મોટો અરજીની સુનાવણી હાઇકોર્ટમાં હાથ ધરાઈ હતી આ બાબતે અગાઉ હાઇકોર્ટે શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપાલ સેક્રેટરીને તલસ્પર્શી તપાસ કરીને રિપોર્ટ રજૂ કરવા હુકમ કર્યો હતો જેના પગલે હાઇકોર્ટમાં આ રિપોર્ટ આજે રજુ કરાયો હતો. જેમાં જણાવ્યું હતું કે હરણી તળાવમાં બોટિંગ માટેનું ટેન્ડર કોટિયા ડેવલોપર્સને ગેરકાયદેસર રીતે અપાયું હતું તે લાયક ન હોવા છતાં અલગથી જોઈન્ટ વેન્ચર બતાવીને તેને કોન્ટ્રાક્ટ આપી દેવાયો હતો. જો કે ટેન્ડરની શરતોમાં જોઈન્ટ વેન્ચર માન્ય ન હતું. પરંતુ કમિટીના રિપોર્ટમાં આશ્ચર્યજનક રીતે એ વાત રજૂ કરાઈ હતી. ત્યાં ટેન્ડર આપવા માટે કોઈ સિનિયર ઓથોરિટીને જવાબદાર ગણી શકાય નહીં. ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલે આવા રિપોર્ટને લઈને જણાવ્યું હતું કે, કમિશનરે સહી કરતી વખતે આંખ કાન બંધ કરી લીધા હતા અને ફક્ત ટેકનિકલ ટીમના રિપોર્ટના આધારે સહી કરી નાખી છે. તેમણે સરકાર પક્ષે એડવોકેટ જનરલને પણ જણાવ્યું હતું કે, તમે આ રિપોર્ટ સ્વીકારવાના છો કે કેમ ? સરકાર આ રિપોર્ટ જોવે નહીં તો રાજ્યના પ્રિન્સિપાલ સેક્રેટરી પણ મુશ્કેલીમાં મુકાશે. આ ઉપરાંત કોર્ટે નારાજગી વ્યક્ત કરતા કહ્યું હતું કે, જે પ્રમાણેના શબ્દોમાં રિપોર્ટ તૈયાર થયો છે, તે જોતા સમગ્ર દોષનો ટોપલો ટેકનિકલ ટીમ અને કોન્ટ્રાક્ટરો પર નાખી દેવાની કોશિશ થતી હોય તેવું લાગી રહ્યું છે. સરકાર તરફથી એડવોકેટ જનરલે આ રિપોર્ટની એક નકલ મેળવવા માટે કોર્ટને રજૂઆત કરી હતી અને કોર્ટે રજૂઆત ગ્રાહ્ય રાખીને કોપી આપવા માટે જણાવ્યું હતું. હવે ચાર જુલાઈના રોજ આ મામલે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.