સોશિયલ મીડિયામાં વાયરલ વીડિયોથી રાજકીય ગરમાવો
વડોદરા શહેરમાં હજુ બીજેપી પ્રમુખ પદના ચયનને લઈને વિવાદ થમ્યો નથી, તેવામાં હવે વડોદરા જિલ્લા બીજેપી પ્રમુખને લઈને પણ વિરોધ સપાટી પર આવ્યો છે. વડોદરા જિલ્લા બીજેપીના પ્રમુખપદને લઈને એક મહિલા કાર્યકર્તાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં મહિલા વર્તમાન જિલ્લા પ્રમુખ સતીશ પટેલ પર આકરા પ્રહારો કરી રહ્યા છે.
હજુ બે દિવસ અગાઉ જ શહેર અને જિલ્લા બીજેપીના પ્રમુખપદને લઈને સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી. જેમાં શહેર બીજેપી કાર્યાલય પર એક સિનિયર મહિલા નેતા સુનીતા શુક્લા અને પૂર્વ કોર્પોરેટર ગોપી તલાટી જાહેરમાં જ બાખડી પડ્યા હતા. ત્યારે હવે વડોદરા જિલ્લા બીજેપીમાં વાઘોડિયા વિસ્તારના પૂર્વ પ્રભારી ભારતી ભાણવડિયાએ વર્તમાન જિલ્લા પ્રમુખ સતિષ પટેલ પર ગંભીર આરોપો મૂક્યા છે. ભારતી ભાણવડિયાયાએ સોશિયલ મીડિયામાં એક વિડિયોના માધ્યમથી વર્તમાન જિલ્લા પ્રમુખ સતિષ પટેલ પર આરોપ લગાવતા કહ્યું કે, તમે જે કહો છો કે મારી ઉપર ગોડ મધરનો હાથ છે તો તમે તેમના જોર પર ફરી પ્રમુખ પદ માટે દાવેદારી કરી છે. તમને જેના આશીર્વાદ છે તેમના આશીર્વાદ લઈ તમે દિલ્હીમાં પીએમ બની જાઓ, ગુજરાતના સીએમ બની જાઓ, વડોદરા જિલ્લાને છોડો. વડોદરા જિલ્લાને તમારા આતંકમાંથી મુક્ત કરો. તમને હંમેશા બીજાને પડી દેવામાં જ રસ રહ્યો છે. વધુમાં તેમણે આરોપ લગાવતા કહ્યું કે, જિલ્લામાં સુગર ફેકટરીમાં પણ મોટાપાયે ભ્રષ્ટાચાર આચર્યો છે, હંમેશા કાર્યકર્તાઓનું પણ અપમાન કર્યું છે. વધુમાં તેમણે કહ્યું કે, હું પ્રદેશને વિનંતી કરું છું કે આવા વ્યક્તિના હાથમાં જિલ્લાની જવાબદારી ન સોંપતા. વારંવાર પોતાના વીડિયોમાં ભારતીબેન કોઈ ગોડ મધરની વાત કરતા દેખાય છે અને સતિષ પટેલ પર અનેક આરોપો મૂકી રહ્યા છે.
સમગ્ર મામલે વડોદરા જિલ્લા બીજેપી પ્રમુખ સતિષ પટેલે જણાવ્યું હતું કે, આ મહિલા હાલ કોઈ પણ પ્રકારનો પાર્ટીમાં હોદ્દો ધરાવતા નથી. તે પાર્ટીના પ્રાથમિક સભ્ય પણ નથી. અગાઉ અમે એમને ભૂલથી વાઘોડિયા વિસ્તારના પ્રભારી બનાવી દીધા હતા, બાદમાં પ્રદેશના આદેશથી તેમને પ્રભારીના હોદ્દા પરથી દૂર કરાયા હતા. થોડા સમય અગાઉ આ મહિલા બરોડા સેન્ટ્રલ કો ઓપરેટીવ બેંકમાં પ્રમુખની ચેમ્બરમાં બેસી રહેતા હતા. જે અમે બધા ડિરેક્ટરોએ ભેગા મળી તેમનું બેસવાનું બંધ કરાવી દીધી હતું. હવે જ્યારે મે ફરી પ્રમુખપદ માટે દાવેદારી કરી છે. ત્યારે આ મહિલા એ બાબતોને લઈને મારા પર આવા ખોટા આક્ષેપ કરી રહ્યા છે. તેમના દ્વારા લગાવવામાં આવેલા તમામ આરોપો પાયા વિહોણા છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યભરમાં હાલ બીજેપીનું સંગઠન પર્વ ચાલી રહ્યું છે, ત્યારે વડોદરા શહેર અને જિલ્લામાં હોદ્દાની લ્હાયમાં શિસ્તબદ્ધ ગણાતી પાર્ટીમાં વિરોધના સૂર જોવા મળી રહ્યા છે.