Vadodara

હવે પાણી ભરાય એવા વિસ્તારમાં નથી રહેવું, લોકોએ મકાન વેચવા કાઢયા

વડોદરામાં પૂરે ભારે ખાનાખરાબી સર્જી , હેરાન પરેશાન થતાં લોકોએ ઘર વેચવાનું મન મનાવી લીધું

વડોદરાના લોકોએ છેલ્લા 22 વર્ષમાં કદી જોયું ના હોય તેવું વિશ્વામિત્રી નદીનું રૌદ્ર સ્વરૃપ અને તેની સાથે ભારે પૂર તેમજ તેના કારણે તબાહી નિહાળી હતી. છેલ્લા ત્રણ દિવસથી હેરાન થયેલા લોકો વિશ્વામિત્રી નદીના પૂરથી હેરાન પરેશાન થઇ ગયા હતાં. અનેક લોકોએ પોતાના ઘરમાં પીવાના પાણી અથવા ભોજન વગર આ દિવસો દરમિયાન રહેવું પડયું હતું. જેના કારણે થોડા સમય પહેલાં જ શહેરના વિવિધ વિસ્તારોમાં ખરીદેલા બંગલા અથવા ફલેટમાં પૂર વખતે પરેશાન થયેલા લોકોએ પોતાની મિલકત આગામી દિવસોમાં વેચવા માટે મૂકવાનું નક્કી કર્યું છે.

ઉલ્લેખનીય છે કે જન્માષ્મીના દિવસે સમગ્ર શહેરને જળમગ્ન કરી દેનારો વરસાદ અને આજવા સરોવરમાંથી છોડાયેલા પાણીના કારણે વિશ્વામિત્રી નદીમાં આવેલા પૂરથી શહેરની અડધી પ્રજા પ્રભાવિત થઈ હતી. બે દિવસ સુધી દૂધ શાકભાજી, પીવાના પાણી સહિતની જીવનજરૂરી વસ્તુઓ નહી મળતાં ઘરના સભ્યો હેરાન પરેશાન થઇ ગયા હતાં. ખાસ કરીને વૃદ્ધો અને નાના બાળકોની હાલત દયનીય બની ગઈ હતી. વડોદરા શહેરમાં અનેક લોકો અન્ય જિલ્લામાંથી અથવા અન્ય રાજ્યમાંથી આવીને સ્થાયી થયા છે. આ પરિવારના સભ્યોએ વિશ્વામિત્રી નદીના પૂરના દ્રશ્યો પ્રથમ વખત નિહાળ્યા હતા. એટલું જ નહી પરંતુ વિશ્વામિત્રી નદીની નજીક અથવા દૂર થોડા વર્ષો પહેલાં જ ખરીદેલી મિલકતમાં આટલું બધું નુકસાન સાથે પરિવારજનોને હેરાન થવાનું દુઃખ સતાવતું હતું. આ મિલકતમાં હવે રહી શકાય તેમ નથી તેમ માની કેટલાંય લોકોએ પોતાની મિલકત વેચી દેવાનું મન મનાવી લીધું છે. ઉલ્લેખનીય છે કે સમારોડ પર વિશ્વામિત્રી નદીના કાંઠે આવેલા સિધ્ધાર્થ બંગલોઝ વિશ્વામિત્રી નદીના પૂરમાં હંમેશા ડૂબી જતા હોય છે જેથી ભૂતકાળમાં આ પ્રોપર્ટી લોકોએ વેચાણ માટે મૂકી હતી. આ સાથે જ ફ્લેટમાં ભલે ઉપરના માળે રહેતા હોય પરંતુ વિસ્તારમાં પૂરથી પરેશાન લોકોએ પણ પોતાના ફ્લેટ વેચવા કાઢયા છે.

Most Popular

To Top