*કોન્ટ્રાક્ટર દ્વારા ડ્રેનેજ લાઇનની કામગીરી બાદ યોગ્ય રીતે પૂરાણ ન કરાતાં આ રોડપર અનેક ખાડા ટેકરા*
*જો વરસાદી પાણી ભરાય તો વાહનદારીઓ, રાહદારીઓ, મૂંગા પશુઓ માટે જોખમી બની શકે*
(પ્રતિનિધિ) વડોદરા તા. 27
શહેરમાં વરસાદી વિરામ બાદ ઠેરઠેર ખાડા, ભૂવા જોવા મળી રહ્યાં છે વડોદરા શહેર ખાડોદરા ની સાથે સાથે ભૂવાનગરી તરીકે હવે ઉપનામ મેળવી રહ્યું છે. શનિવારે શહેરના સંગમ ચાર રસ્તા થી એરપોર્ટ જતા મુખ્ય રોડ પર ગાંધીપાર્ક પાસે ઊંડો અને ભોંયરા જેવો ભુવો પડ્યો હતો. આ મુખ્ય રોડ પર થોડાંક સમય પહેલાં જ લાખો રૂપિયાના ખર્ચે ડ્રેનેજ લાઈનની કામગીરી કરવામાં આવી હતી પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા ડ્રેનેજ લાઈન નાખ્યા બાદ વ્યવસ્થિત રીતે પુરાણ નહીં કરતા આ રોડ પર અનેક જગ્યાએ ખાડા ટેકરા થઈ ગયા છે જેના કારણે આખો રોડ ખાડા ટેકરા વાળો બની ગયો છે.બીજી તરફ મસમોટો ભૂવો પણ હવે થઇ ગયો છે. ડ્રેનેજ લાઈનની કામગીરી કરાઇ હતી તે મુખ્ય રોડ પર જ આ વિસ્તારના ધારાસભ્ય મનીષાબેન વકીલની ઓફિસ આવેલી છે અને તેમના જ ઓફિસની બહાર જ ભુવો પડ્યો છે .વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓના કોન્ટ્રાક્ટરની કામગીરી પર યોગ્ય સુપરવિઝનના અભાવના કારણે કોન્ટ્રાક્ટરો દ્વારા કામોમાં ગેરરીતિ આચરવામાં આવે છે અને જે રીતે કામગીરી પૂર્ણ કરી પુરાણ કરવાનું હોય તેવી રીતે પુરાણ કરતા નથી જેના કારણે વડોદરા શહેરમાં ભૂવા પડે છે ત્યારે જ વડોદરા શહેરને ભુવા નગરી ઉપનામ મળ્યું છે ટૂંક સમય પહેલા જ વડોદરા શહેરના વુડા સર્કલ તેમજ કારેલીબાગ દવાખાના સામે મસ મોટો ભુવો પડ્યો હતો હાલમાં પણ આ ભુવાનું રીપેરીંગ કામ કરવામાં આવી રહ્યું નથી આ રોડ વીઆઇપી રોડ હોય અને નાગરિકો માટે પણ મુખ્ય રોડ હોય અવરજવરની તકલીફો પડી રહી છે. વડોદરા મહાનગરપાલિકાના શાસનમાં બેઠેલા સત્તાધીશો દ્વારા આવા કોન્ટ્રાક્ટરો સામે પગલાં ભરવા જોઈએ અને અન્ય કામગીરીના વર્ક ઓર્ડર પણ આપવા જોઈએ નહીં તેવી સામાજિક કાર્યકર અતુલ ગામેચી દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.
હવે ધારાસભ્ય મનીષા વકીલની ઓફિસ નજીક પડ્યો ભૂવો
By
Posted on