રાજ્યમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 2 દિવસ ઓરેન્જ એલર્ટની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સાબરકાંઠા, બનાસકાંઠા સહિતનાં વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો બીજી તરફ સુરેન્દ્રનગર, કચ્છ સહિતનાં જીલ્લામાં હવામાન વિભાગ દ્વારા હીટવેવની આગાહી કરવામાં આવી છે.
રાજ્યના તાપમાનમાં કંઈક અંશે ઘટાડો થવા પામ્યો છે. ગત રોજ રાજ્યમાં હિંમતનગરમાં સૌથી વધુ 45.1 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે અમદાવાદમાં 43.2 ડિગ્રી, ગાંધીનગરમાં 43 ડિગ્રી, અમરેલીમાં 43 ડિગ્રી, ડીસામાં 42.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. 24 કલાક દ્વારા તાપમાનમાં ઘટાડો થશે તેમજ બે દિવસ બાદ રાજ્યમાં મહત્તમ તાપમાનનો પારો 40 સુધી પહોંચે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરી છે.
હાલ રાજ્યમાં પશ્ચિમ તેમજ ઉત્તર પશ્ચિમ તરફથી પવનો ફુંકાઈ રહ્યા છે. જેથી તાપમાનમાં મહદ અંશે ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે પણ તાપમાનનો પારો ગગડે તેવી શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં વહેલી સવારે વાતાવરણમાં કંઈક અંશે લોકોએ ઠંડકનો અનુભવ ક્યો હતો.
હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ રાજ્યનાં ક્યાંય પણ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી નથી. તેમજ આગામી પાંચ દિવસ દરિયાકાંઠાનાં વિસ્તારોમાં ગરમ ભેજયુક્ત પવન ફૂંકાશે.