સોમવારે શહેરમાં મહત્તમ તાપમાન 41.6ડિગ્રી સે., લઘુત્તમ તાપમાન 23.8 ડિગ્રી સે.નોધાયુ જ્યારે હવામાં ભેજનું પ્રમાણ 15% રહેવા પામ્યું હતું.
(પ્રતિનિધિ) વડોદરા તા. 07
ભારતીય હવામાન વિભાગ દ્વારા તા. 06 એપ્રિલ થી આગામી તા. 10 એપ્રિલ સુધી ગરમી સાથે હિટવેવની આગાહી કરી છે. છેલ્લા કેટલાક દિવસથી ગરમીનો પારો 40ડિગ્રી ને વટાવી ગયો છે જેના કારણે લોકો ગરમીથી પરેશાન જોવા મળી રહ્યાં છે સાથે જ ગરમીના કારણે બેભાન થવાના કેસો ખાનગી હોસ્પિટલમાં વધ્યા છે.
હાલમાં દેશના કેટલાક રાજ્યોમાં ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે ગુજરાતમાં પણ છેલ્લા કેટલાક દિવસોથી ગરમીનો પારો 40ડિગ્રી ને વટાવી ગયો છે સાથે જ હિટવેવની અસર પણ જોવા મળી રહી છે ત્યારે ભારતીય હવામાન વિભાગ ( IMD) દ્વારા તા. 06 એપ્રિલ થી આગામી તા. 10 એપ્રિલ સુધી ગરમીનું મોજું ચાલવાની આગાહી વ્યક્ત કરી છે.આગામી ચાર દિવસ દરમિયાન હિટવેવ સાથે ગરમી અંગેની હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવી છે.સાથે જ તા. 06 અને 07 એપ્રિલ દરમિયાન ઉતર ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારમાં, બનાસકાંઠા સાબરકાંઠા સહિતના વિસ્તારોમાં તીવ્ર ગરમીનું મોજું રહેવાની વકી કરી છે. દક્ષિણ ગુજરાત તથા મધ્ય ગુજરાતમાં પણ ગરમીનો પ્રકોપ જોવા મળશે ત્યારે સોમવારે વડોદરા શહેરનું મહત્તમ તાપમાન 41.6ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું જ્યારે લઘુત્તમ તાપમાન 23.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જ્યારે હવામાં ભેજનું પ્રમાણ 15% જેટલું રહેવા પામ્યું હતું જેના કારણે લોકોને આકરા તડકા અને ગરમી સાથે સાથે બફારો અનુભવાયો હતો. શહેરમાં ખાનગી હોસ્પિટલમાં ગરમી અને તાપને કારણે બેભાન થવાના કેસો જોવા મળ્યા હતા જ્યારે એસ.એસ.જી.હોસ્પિટલમા ઓપીડી માં સામાન્ય કરતાં 5% દર્દીઓમાં વધારો જોવા મળ્યો હતો. હવામાન વિભાગ દ્વારા ગરમીને કારણે કટોકટી ની સ્થિતીને રોકવા સ્થાનિક તંત્રને જરૂરી પગલાં લેવા અનુરોધ કર્યો છે ત્યારે મધ્ય ગુજરાતની સૌથી મોટી વડોદરાની એસ.એસ.જી.હોસ્પિટલમા અલાયદા વોર્ડની સુવિધાઓ સાધનો સાથે અગમચેતીના ભાગરૂપે તૈયાર કરવામાં આવી હતી જ્યાં સોમવારે સાંજ સુધીમાં હિટવેવના દર્દીઓ કે ગરમીના કારણે ગંભીર કોઇ દર્દીઓ નોંધાયા ન હતા.
