હવામાન વિભાગ દ્વારા ગત સપ્તાહે તા.04 થી 10 મે દરમિયાન રાજ્યના અલગ અલગ ભાગોમાં વાવાઝોડા સાથે કમોસમી વરસાદની આગાહી કરી હતી સાથે જ પવનની ઝડપ 60 થી 80 પ્રતિ કિલોમીટર રહેવાની સંભાવના પણ વ્યક્ત કરી હતી પરંતુ વડોદરા મહાનગરપાલિકા પ્રિમોન્સૂનની કામગીરીના ભાગરૂપે ફક્ત વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરી તરફ જ સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત રાખ્યું હતું અને હવામાન વિભાગની ચેતવણીને એક રીતે અવગણી હતી


જેના કારણે શહેરમાં જોખમી વૃક્ષોની છટણી, વિજ વાયરોને નડતરરૂપ વૃક્ષો ને દૂર કરવાની કામગીરી, શહેરમાં જર્જરિત ઇમારતો ને ખાલી કરવા, હોર્ડિગ્સને દૂર કરવા સાથે જ શહેરના વિવિધ વિસ્તારોમાં તૂટેલા ડ્રેનેજના ઢાંકણાં બદલવાની, શહેરમાં કોન્ટ્રાકટર દ્વારા વિવિધ વિસ્તારોમાં રોડ રસ્તાઓ પર ખોદકામ બાદ તેના યોગ્ય પૂરાણની કામગીરી ચકાસણી સહિતના કામોને કરવામાં તંત્ર ઉદાસીન રહેતા શહેરમાં સોમવારે આવેલા વાવાઝોડા દરમ્યાન ઘણા વૃક્ષો ધરાશયી થયા હતા, જર્જરિત ઇમારતો ની દિવાલ,છત પતરાં ધરાશાયી થયા હતા સાથે જ વીજ વાયરોને નુકસાન થતાં શહેરમાં અંધારપટની સ્થિતિ સર્જાઈ હતી.અમારા “ગુજરાતમિત્ર” દૈનિક અખબાર દ્વારા પણ પ્રિમોન્સૂનની કામગીરીમાં તંત્રની ઉદાસીનતા તરફે પાલિકા તથા અધિકારીઓ નું ધ્યાન દોરવામાં આવ્યું હતું પરંતુ સ્માર્ટ પાલિકાના સ્માર્ટ તંત્ર દ્વારા હવામાન વિભાગ ની ચેતવણી સહિત અવગણના કરતાં શહેરમાં નુકસાન થયું હતું જેના કારણે પાલિકા તંત્રની પ્રિમોન્સૂનની કામગીરીની પોલ ખુલી પડી હતી.

