હાઇકોર્ટમાં 37મી મુદતે અપીલ પરત લેવા મંજુરી માંગી ,આત્મીય વિદ્યાધામનો કામચલાઉ વસવાટ હવે ગેરકાયદેસર*
(પ્રતિનિધિ) વડોદરા તા 18
હરિધામ-સોખડાથી અલગ થઈને વચગાળાની રહેણાંક વ્યવસ્થા સમાપ્ત થઇ ગઈ હોવા છતાં કાનૂની દાવપેચ અજમાવીને આત્મીય વિદ્યાધામ, બાકરોલમાં રહેતાં પ્રબોધજીવન જુથને ગુજરાત હાઇકોર્ટમાંથી વધુ એક નિષ્ફળતા મળી છે. ટ્રસ્ટ પાસે રહેણાંક અને ભરણપોષણનાં ખાનગી તેમજ વ્યક્તિગત અધિકાર માટે તથા વચગાળાની રહેણાંક વ્યવસ્થા કાયમી કરવા અથવા તો લંબાવી આપવાની દાદ માંગતી અપીલ ગુજરાત હાઇકોર્ટમાંથી કોર્ટનું વલણ જોઇને પરત ખેંચવી પડી છે. આ પહેલાં સપ્ટેમ્બર-2023માં આણંદના સિનિયર સિવિલ જજે તેમના વિસ્તૃત ચુકાદામાં બાકરોલમાં વચગાળાની વ્યવસ્થા હેઠળ રહેતા કેટલાક લોકોનાં પ્રતિનિધિ તરીકે કરવામાં આવેલા દિવાની દાવામાં કોઈ રાહત કે વચગાળાનો આદેશ આપવાનો ઇન્કાર કરી દીધો હતો. સિનિયર સિવિલ જજના આદેશની સામે આણંદ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં પ્રબોધજીવન જુથ દ્વારા અપીલ કરવામાં આવી હતી. જે એડી. ડિસ્ટ્રિક્ટ જજે ફગાવી દીધા બાદ હાઇકોર્ટમાં આ અપીલ કરવામાં આવી હતી. જે પરત ખેંચવામાં આવતાં ડિસ્ટ્રિક્ટ કોર્ટ અને સિનિયર સિવિલ જજ દ્વારા થયેલ ઓર્ડર માન્ય રહ્યા છે. આમ, હરિધામ સોખડાનાં ટ્રસ્ટો અને ટ્રસ્ટીઓ સામેની કાનૂની લડાઈમાં પ્રબોધજીવન જુથને વધુ એક નિષ્ફળતા મળી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ફેબ્રુઆરી-2024માં ગુજરાત હાઇકોર્ટમાં અપીલ કરનાર પ્રબોધજીવન જુથે તેમના તરફે દસ જેટલા વકીલો રોક્યા હતા અને સુનાવણી સમયે કોઈને કોઈ કારણો દર્શાવીને સુનાવણી મોકૂફ રાખવાની સાથે પોતાની વચગાળાની રહેણાંક વ્યવસ્થા લંબાય તેવા પ્રયત્નો કર્યા હતા. હાઇકોર્ટમાં સાત જેટલા ન્યાયમૂર્તિઓએ કોઇને કોઇ કારણસર પોતાને આ કેસથી અલગ કર્યા હતા. વરિષ્ઠ ધારાશાસ્ત્રી સુધીર નાણાવટીએ અરજદારોની સુનાવણી મોકૂફ રખાવવાની માનસિકતા અંગે હાઇકોર્ટનું ધ્યાન દોર્યું હતું. પરિણામે, જસ્ટીસ નિરલ મહેતાએ કડક વલણ અખત્યાર કરીને હવે પછીની મુદ્દતે સુનાવણી મોકૂફ રાખવા માટેનાં કોઈ જ કારણ ધ્યાનમાં લેવામાં નહીં આવે તેવું સ્પષ્ટ કરતો હુકમ કર્યો હતો. ત્યારબાદ જસ્ટીસ મહેતાએ સુનાવણી હાથ પર લેતાં કોર્ટનું વલણ જોઇને પોતાનો કેસ પુરવાર કરવામાં નિષ્ફળતા મળશે તેવું જણાતાં પ્રબોધ જુથે 37મી મુદતમાં અપીલ પરત ખેંચવાની પરવાનગી માંગી હતી. ત્યારબાદ અપીલ બિનશરતી પરત ખેંચવાના સ્પષ્ટ ઉલ્લેખ સાથે જસ્ટીસ નિરલ મહેતાએ 11મી ઓગસ્ટે કેસનો નિકાલ કર્યો હતો. આમ, હવે પ્રબોધ જૂથ માટે આત્મીય વિદ્યાધામની કામચલાઉ રહેણાંક વ્યવસ્થા ચાલુ રાખવા માટે કોઈ જ કાયદાકીય રક્ષણ રહ્યું નથી.
સમગ્ર કેસની હકીકત એવી છે કે, હરિધામ સોખડાના અધિષ્ઠાતા હરિપ્રસાદ સ્વામીજી મહારાજ પોતે હયાત હતા ત્યારે જ પોતાના ઉત્તરાધિકારી તરીકે પ્રેમસ્વરૂપ સ્વામીજી મહારાજની નિયુક્તિ કરી હતી. પરંતુ તેઓશ્રીના બ્રહ્મલીન થયા પછી કેટલાક સાધુઓ અને અનુયાયીઓએ પ્રબોધજીવનદાસનાં નેતૃત્વમાં પ્રેમસ્વરૂપ સ્વામીનો વિરોધ શરૂ કર્યો હતો. એપ્રિલ-2022માં પ્રબોધજીવન જૂથે ગુજરાત હાઇકોર્ટમાં હેબિયસ કોર્પસ દાખલ કરીને 400 જેટલા લોકોને બંધક બનાવીને રખાયા હોવાની રજૂઆત કરી હતી. આ રજૂઆતને કારણે ગુજરાત હાઇકોર્ટે પુરુષો માટે આત્મીય વિદ્યાધામ, બાકરોલ અને મહિલાઓ માટે આત્મીય વિદ્યાનિકેતન, અમદાવાદમાં વચગાળાની રહેણાંક વ્યવસ્થા કરી હતી. તે સમયે 179 લોકો સાથે પ્રબોધજીવનદાસનું જુથ હરિધામ સોખડા છોડી ગયું હતું.જૂલાઇ-2022 માં ગુજરાત હાઇકોર્ટની ડિવિઝન બેન્ચે હેબિયસ કોર્પસ પીટીશનમાં અંતિમ આદેશ કરીને વચગાળાની વ્યવસ્થા સમાપ્ત કરી દીધી હતી.એ પછી પ્રબોધજીવન જૂથે સંયુક્ત ચેરિટિ કમિશ્નર, વડોદરા સમક્ષ ગુજરાત પબ્લિક ટ્રસ્ટ એક્ટ-1950 ની કલમ 41-એ અન્વયે વચગાળાની વ્યવસ્થા ચાલુ રાખવાની અરજી કરી હતી. આ કાનૂની જંગ ગુજરાત હાઇકોર્ટ સુધી પહોંચ્યો હતો. જેમાં પહેલાં ગુજરાત હાઈકોર્ટની સિંગલ બેન્ચે અને પછી ડીવીઝન બેન્ચે સંયુક્ત ચેરીટી કમિશ્નર, વડોદરાના દીવાની હકોનો નિર્ણય પોતાની હકુમત બહારનો હોવાને કારણે વચગાળાની રહેણાંક વ્યવસ્થા લંબાવી શકાય નહીં તે હુકમને માન્ય રાખ્યો હતો. તે પછી સુપ્રીમ કોર્ટે પણ આ બાબતે હસ્તક્ષેપ કરવાનું જરૂરી ન હોવાનું જણાવ્યું હતું. દરમિયાનમાં પ્રબોધજીવન જુથે વૈકલ્પિક વ્યવસ્થા સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. ગુજરાત હાઇકોર્ટમાં હેબિયસ કોર્પસ પીટીશનની સુનાવણી ચાલુ હતી તે દરમિયાન જ પ્રબોધજીવન જુથના કેટલાક લોકોએ રહેણાંક અને ભરણપોષણ જેવા વ્યક્તિગત તેમજ ખાનગી અધિકારો માટે શ્રી હરિ આશ્રમ, યોગી ડિવાઇન સોસાયટી અને તેના ટ્રસ્ટીઓ પર દિવાની દાવો કર્યો હતો. આ દાવામાં આત્મીય વિદ્યાધામ, બાકરોલમાં વચગાળાની વ્યવસ્થા ચાલુ રાખવા દાદ માંગવામાં આવી હતી. જેમાં હરિધામ સોખડા તરફે થયેલી દલીલો માન્ય રાખીને સિનિયર સિવિલ જજ બી. કે. શાહે આંક-૫ હેઠળ વચગાળાની અરજી ફગાવી દીધી હતી. સિવિલ કોર્ટે ગત સપ્ટેમ્બર-2023માં આપેલા વિસ્તૃત ચુકાદા સામે પ્રબોધજીવન જૂથે આણંદ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં અપીલ કરી હતી. તેમાં લાંબી સુનાવણીના અંતે એડી. ડિસ્ટ્રિક્ટ જજ એસ. કે. વ્યાસે સિવિલ કોર્ટના આદેશને યોગ્ય ઠેરવીને પ્રબોધજીવન જુથની અપીલ ફગાવી દીધી હતી.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, પ્રબોધજીવન જુથે સંયુક્ત ચેરિટી કમિશ્નર, વડોદરા સમક્ષ કરેલી અરજી સુનાવણી પૂરી થયા પછી પરત ખેંચી હતી. તેમાં અરજદારો ધરમદીપ પટેલ અને અમિષ દેસાઈને કાનૂની પ્રક્રિયાના દુરુપયોગ બદલ રૂ.50 હજારનો દંડ કરવામાં આવ્યો હતો. હરિધામ-સોખડા તરફે વરિષ્ઠ ધારાશાસ્ત્રી સુધીર નાણાવટી, મૃગેન પુરોહિત, વંદન બક્ષી સહિતના એડવોકેટસે ઉઠાવેલ તથ્ય અને સત્ય આધારિત તલસ્પર્શી કાનૂની મુદ્દાઓ સામે પ્રબોધજીવન જૂથની રજુઆતોને નિષ્ફળતા મળી છે. જુદાજુદા કાયદાઓ હેઠળ કેસ કરીને ફાયદો મેળવવા ઈચ્છતા પ્રબોધજીવન જૂથની મહેચ્છા ફળીભૂત ન થતાં હવે ટૂંક સમયમાં આત્મીય વિદ્યાધામ, બાકરોલ પરિસર ખાલી કરવું પડશે તેવું કાયદાના નિષ્ણાતો માની રહ્યા છે.