Vadodara

હરણી વિસ્તારમાં ભયાનક આગની ઘટના, ચાલુ કાર આગનો ગોળો બની

( પ્રતિનિધિ )વડોદરા,તા.6
વડોદરા શહેરના સતત ધમધમતા હરણી તળાવ વિસ્તારમાં ચાલુ કારમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આખી કાર બળીને ખાક થઈ ગઈ હતી. જોકે, કારમાં સવાર લોકોએ સમયસૂચકતા વાપરી તુરંત બહાર નીકળી જતાં એક મોટી દુર્ઘટના ટળી હતી.

હરણી રોડ પરથી પસાર થઈ રહેલી એક કારમાં અચાનક બોનેટના ભાગેથી ધુમાડા નીકળવાનું શરૂ થયું હતું. ડ્રાઈવર કંઈ સમજે તે પહેલા જ એન્જિનના ભાગે આગ પકડી લીધી હતી. રસ્તાની વચ્ચે જ કાર આગનો ગોળો બની જતાં આસપાસના વાહનચાલકોમાં પણ ફફડાટ વ્યાપી ગયો હતો.

આગ લાગતાની સાથે જ કારમાં સવાર લોકો તુરંત નીચે ઉતરી ગયા હતા. જો થોડી પણ સેકન્ડોનું મોડું થયું હોત તો ગંભીર જાનહાનિ થઈ શકી હોત. ભરચક રસ્તો હોવા છતાં લોકોએ સમયસૂચકતા વાપરીને સલામત અંતર જાળવી લીધું હતું.

બનાવની જાણ થતાં જ વડોદરા ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર ફાઈટરોએ સતત પાણીનો મારો ચલાવી ટૂંક સમયમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો. જોકે, આગ એટલી ભીષણ હતી કે, ત્યાં સુધીમાં કારનો મોટોભાગ બળીને ખાક થઈ ગયો હતો. સ્થાનિક પોલીસે પણ ટ્રાફિક ક્લિયર કરાવી તપાસ હાથ ધરી છે. પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું.

Most Popular

To Top