( પ્રતિનિધિ )વડોદરા,તા.5
વડોદરા શહેરના હરણી મોટનાથ મહાદેવ મંદિર પાસેના મુખ્ય માર્ગ ઉપર મધ રાત્રીએ એક શાહુડી લટાર મારતી જોવા મળી હતી. અહીંથી પસાર થતાં કેટલાક નાગરિકોએ આ શાહુડીના દ્રશ્યો પોતાના મોબાઈલમાં કેદ કર્યા હતા.
વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી મગરો સહિત નદીની આસપાસનો કોતરોનો વિસ્તાર વન્યજીવો સરીસૃપ જીવો માટે આશ્રય સ્થાન બન્યો છે. અનેક વખત રહેણાંક વિસ્તારોમાં મગરો , શાહુડી સહિતના વન્યજીવો આવી જતા હોવાના કિસ્સા બન્યા છે. તાજેતરમાં જ સમા વિસ્તારમાં શિયાળ આવી ગયું હતું. જેને ભારે જહેમતે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. આ સાથે શહેરના જુદા જુદા વિસ્તારોમાં પણ શાહુડી આવી ગઈ હોવાના બનાવો બન્યા હતા. ત્યારે, વધુ એક વખત શહેરના હરણી મોટનાથ વિસ્તારમાં શાહુડી મધરાત્રીએ લટાર મારવા નીકળી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા.

હરણી મોટનાથ વિસ્તારમાં આવેલા ગોવર્ધન પાર્ટી પ્લોટ પાસે શાહુડી રોડ પર આવી ગઈ હતી. શાહુડીને જોઈને કેટલાક શ્વાનો પૈકી એક શ્વાને શાહુડીને ઘેરવાનો પ્રયાસ પણ કર્યો હતો. પરંતુ, શરીરે કાંટા ધરાવતી આ શાહુડી સાથે બાથ ભીડવી શક્ય ન હોય, શ્વાનોએ મેદાન છોડવું પડ્યું હતું અને શાહુડી તેના રસ્તે નીકળી ઝાડી વિસ્તારમાં જતી રહી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો ત્યાંથી પસાર થઈ રહેલા કેટલાક યુવકો પૈકી એકે પોતાના મોબાઈલમાં કેદ કરી લીધા હતા.