11 પીડિત વાલીઓએ ગ્રાહક કોર્ટમાં ફરિયાદ દાખલ કરી, ન્યૂ સનરાઈઝ સ્કૂલ સામે રૂ.16.51 કરોડનો વળતર દાવો
પ્રતિનિધિ | વડોદરા | તા. 18
હરણી બોટ દુર્ઘટનાને બે વર્ષ પૂર્ણ થવા છતાં હજુ સુધી પીડિત પરિવારોને ન્યાય મળ્યો નથી. જેના પગલે દુર્ઘટનામાં પોતાના લાડકાં ગુમાવનાર 11 વાલીઓએ વડોદરાની ગ્રાહક કોર્ટમાં ફરિયાદ દાખલ કરી છે. વાલીઓ દ્વારા ન્યૂ સનરાઈઝ સ્કૂલ સામે વ્યક્તિ દીઠ રૂ.1.51 કરોડ મુજબ કુલ રૂ.16.51 કરોડના વળતરનો દાવો કરવામાં આવ્યો છે.
*બે વર્ષ બાદ પણ પીડિતોની આંખોમાં આસુ, ન્યાયની રાહ યથાવત
18 જાન્યુઆરી 2024ના રોજ વડોદરાના હરણી લેક ઝોન ખાતે થયેલી ગોઝારી બોટ દુર્ઘટનામાં ન્યૂ સનરાઈઝ સ્કૂલના 12 નિર્દોષ વિદ્યાર્થીઓ અને 2 શિક્ષિકાઓ પાણીમાં ગરકાવ થતાં જીવ ગુમાવ્યા હતા. દુર્ઘટનાને બે વર્ષ વીતી ગયા હોવા છતાં પીડિત પરિવારો આજે પણ આ ઘટનાને યાદ કરીને ચોધાર આસુએ રડી રહ્યા છે.
*ક્ષમતા કરતાં વધુ બાળકો, લાઈફ જેકેટ વગર બોટમાં બેસાડ્યા
પીડિત વાલીઓના જણાવ્યા અનુસાર દુર્ઘટનાના દિવસે બોટમાં ક્ષમતા કરતાં વધુ બાળકોને બેસાડવામાં આવ્યા હતા અને મોટાભાગના બાળકોને લાઈફ જેકેટ પણ આપવામાં આવ્યા નહોતા. વાલીઓને માત્ર વોટર પાર્કની મુલાકાત અંગે જાણ કરવામાં આવી હતી, બોટિંગ અંગે કોઈ લેખિત સંમતિ લેવામાં આવી નહોતી.
*ગેરકાયદે શાળા પ્રવાસ અને નિયમોની અવગણના
વાલીઓનો આક્ષેપ છે કે ન્યૂ સનરાઈઝ સ્કૂલ દ્વારા જરૂરી પરવાનગી લીધા વિના હરણી લેક ઝોન ખાતે શાળા પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરક્ષા નિયમોની ખુલ્લેઆમ અવગણના અને સંભવિત ભ્રષ્ટાચારના કારણે આ હૃદયદ્રાવક દુર્ઘટના સર્જાઈ હતી.
*માત્ર રૂ.10 હજારનો દંડ, વાલીઓમાં રોષ
દુર્ઘટના બાદ ડીઈઓ કચેરી દ્વારા સ્કૂલ પર માત્ર રૂ.10,000નો નજીવો દંડ ફટકારવામાં આવ્યો હતો, જે પીડિત પરિવારો માટે અપમાનજનક હોવાનું વાલીઓએ જણાવ્યું. આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને હવે વાલીઓએ ગ્રાહક કોર્ટમાં વળતર માટે કાનૂની કાર્યવાહી શરૂ કરી છે.
*જવાબદારોને કડક સજા કરવાની માગ
પીડિત પરિવારો દ્વારા ગૃહ રાજ્યમંત્રી અને મુખ્યમંત્રી સમક્ષ અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે. દુર્ઘટનામાં સંડોવાયેલા તમામ જવાબદાર અધિકારીઓ, સ્કૂલ ટ્રસ્ટીઓ અને સંચાલકોને કડકમાં કડક સજા થાય તેવી માગ પણ કરવામાં આવી છે.