એક વર્ષ થવા આવ્યું , પણ આજદિન સુધી ભોગ બનનારા બાળકોના પરિવારને કોર્પોરેશન કે કોટયાર્ક કંપનીએ કોઇ વળતર આપ્યું નથી
હરણી બોટ કાંડને એક વર્ષ થવા આવ્યું છતાં સરકાર દ્વારા દોષિતો સામે કોઈ પગલા નહીં અને મૃતકોના પરિવારોને કોઈ વળતર પણ નહીં ચૂકવાતા વાલીઓએ સોમવારે વડોદરા કલેકટર કચેરીએ હલ્લો મચાવી આક્રમક રજૂઆત કરી હતી.
વડોદરા શહેરમાં ગયા વર્ષના 18 જાન્યુઆરીએ જે ગોઝારી ઘટના હરણી તળાવમાં બની, જેમાં 12 ભૂલકાંઓના અને સાથે બે શિક્ષિકાના મોત થયા હતા. આ ઘટના ને 18 જાન્યુઆરી 2025ના રોજ એક વર્ષ પૂર્ણ થશે.આ કેસ કોર્ટમાં અટવાયેલો છે. હાઇકોર્ટે કલેકટરને સૂચનો કર્યા હતા કે આ કેસમાં તપાસ કરી કાર્યવાહી કરવી અને વળતર નક્કી કરવું. કોર્ટે વળતર આપવાનું કહ્યું છે પણ કેટલું આપવાનું છે તે નક્કી નથી. અને તેનાથી આજદિન સુધી ભોગ બનનારા બાળકોને કોર્પોરેશન કે કોટયાર્ક કંપનીએ કોઇ વળતર આપ્યું નથી. બીજી બાજુ જે તે વખતે મુખ્યમંત્રી વડોદરા દોડી આવ્યા હતા. ભૂપેન્દ્રભાઈએ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે. તે સમયે 15 દિવસમાં કલેકટરને રિપોર્ટ સબમીટ કરવા જણાવ્યું હતું. આ અંગે જે તે સમયે કલેક્ટરે જવાબ આપવામાં મોડું કર્યું હતું. આ ઘટના બની અને જે તે વખતે કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો તે વખતે મ્યુનિ. કમિશનર વિનોદ રાવ હતા, સ્ટેન્ડીંગમાં ડો. જીગીશાબેન હતા અને મેયર તરીકે ભરત ડાંગર હતા. રાજકીય વગ ધરાવતા કોટયાર્ક કંપનીના ડાયરેકટર પરેશ શાહને માત્ર 3 લાખ રુપિયામાં 30 વર્ષનો કોન્ટ્રાક્ટ કરી આપ્યો હતો.
આ ઘટના ને વર્ષ પૂર્ણ થવા આવ્યું છતાં પણ મૃતક પરિવારો માટે સહાનુભૂતિ રાખીને થોડી ઘણી રકમ પણ આજદિન સુધી કોર્પોરેશન કે કોટયાર્ક કંપનીએ તેમના ડાયરેકટરોએ તેમજ સ્કૂલના ટ્રસ્ટીઓએ કોઈ મદદ કરી નથી. આજની તારીખમાં વડોદરા મામલતદારે પણ સ્કૂલને પાર્ટી બનાવેલી છે. આ કેસમાં વળતર માટે એમની પાસે પણ માગણી થશે. એક એક પરિવારને પાંચ પાંચ કરોડ આપવું જોઇએ તેવું કેસ લડનારા લોકો માગણી કરી રહ્યા છે.
જેને લઇને હરની બોટ કાંડમાં ભોગ બનનાર બાળકોના માતા પિતા અને પરિવારે આજે જિલ્લા કલેકટર કચેરી ખાતે હોબાળો મચાવ્યો હતો અને પોતાનો રોષ ઠાલવ્યો હતો. તેઓએ કલેકટર કચેરીએ જઈ પોતાની વેદના વ્યક્ત કરી હતી. તેઓ એ જણાવ્યું હતું કે હરણી બોટ કાંડ ને આજે એક વર્ષ પૂર્ણ થવા આવ્યું પણ હજી સુધી દોષિતોને નથી સજા થઈ કે નથી કોઈ વળતર આપવામાં આવ્યું. જેને લઈ આજે કલેકટર કચેરી ખાતે આવી ન્યાયની માંગણી કરી હતી.