વડોદરામાં સર્જાયેલા હરણી બોટ કાંડમાં હાઈકોર્ટ દ્વારા જવાબદાર ઠેરવવામાં આવ્યા બાદ સુપ્રિમ કોર્ટનો દરવાજો ખટખટાવનાર પૂર્વ મ્યુનિસિપલ કમિશનર ડૉ. વિનોદ રાવની અરજી સુપ્રિમ કોર્ટે ફગાવી દેતા આ અધિકારી સામે શિક્ષાત્મક કાર્યવાહીનો માર્ગ મોકળો થયો છે.
વડોદરામાં સર્જાયેલા હરણી બોટકાંડમાં 12 માસૂમ બાળકો અને બે શિક્ષિકાએ જીવ ગુમાવ્યો હતો. દેશભરમાં ભારે ચકચાર મચાવનાર દુર્ઘટનાને મામલે ગુજરાત હાઈકોર્ટે બે આઈ.એ.એસ. અધિકારી , તત્કાલીન મ્યુ. કમિશનર વિનોદ રાવ અને એચ.એસ. પટેલ સામે કાર્યવાહી કરવા માટે સરકારને આદેશ કર્યો હતો.
હાઈકોર્ટે નોંધ્યું હતું કે, આ કાંડ માટે જે – તે સમયના મ્યુનિસિપલ કમિશનર જવાબદાર છે. તેમણે પોતાની જવાબદારી સરખી રીતે નિભાવી નથી તેમજ સત્તાનો દુરુપયોગ કર્યો હતો. કોટીયા પ્રોજેક્ટ્સ કોઈપણ સંજોગોમાં યોગ્ય બિડર ના કહેવાય. કોટિયાની પરવાનગી માત્રને માત્ર અધિકારીઓની પસંદગી હતી.
હાઈકોર્ટ દ્વારા વડોદરાના બંને પૂર્વ કમિશનર્સ સામે શિક્ષાત્મક પગલાં લેવાની સરકારને સૂચના આપતાં તેઓને નોટિસ ફટકારવામાં આવી હતી. જોકે, નોટિસનો જવાબ આપવાને બદલે બંને અધિકારીઓ દ્વારા સુપ્રિમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી.
ઉપરોક્ત મામલે સુપ્રિમ કોર્ટમાં સુનાવણી થતાં આજરોજ વડોદરાના પૂર્વ મ્યુનિસિપલ કમિશનર ડૉ. વિનોદ રાવની અરજી ફગાવી દેવામાં આવી હોવાની વિગતો મળી રહી છે. દેશની સર્વોચ્ચ અદાલતે અરજી ફગાવતા હવે આ વરિષ્ઠ અધિકારી સામે. તપાસ આગળ વધશે.
હરણી બોટ કાંડમાં ડૉ. વિનોદ રાવની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી
By
Posted on