પોલીસ તપાસની માંગ સાથે આગળની સુનાવણી 30 જાન્યુઆરીએ
સનરાઇઝ સ્કૂલ સંચાલકો દ્વારા મૃતક શિક્ષિકાઓના મામલે ખોટા પુરાવા રજૂ કરવામાં આવ્યા હોવાના ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યા છે. આ કેસની વધુ સુનાવણી આજે પ્રાંત કચેરી ખાતે યોજાઈ, જ્યાં મૃતક છાયાબેન સુરતી અને ફાલ્ગુનીબેન પટેલના પરિવારજનો દ્વારા ખોટા પુરાવા અંગે સોગંદનામુ રજૂ કરવામાં આવ્યું હતું.
છાયાબેનના પુત્ર જીગર અને ફાલ્ગુનીબેનના પતિ મનીષભાઇએ નાયબ કલેકટરને જણાવ્યું કે શાળા સંચાલકો દ્વારા ખોટા પગારના રેકોર્ડ રજૂ કરવામાં આવ્યા છે. તેમના દાવા અનુસાર, સ્કૂલ સંચાલકોએ બોગસ કાગળ અને ખોટી સહીના આધારે નકલી પુરાવા તૈયાર કર્યા હતા.
પૃતકોના પરિવારે અગાઉની સુનાવણીમાં આક્ષેપ લગાવ્યા હતા. પરિવારોના આક્ષેપ મુજબ, મૃતક છાયાબેનને માત્ર રૂ. 7,500 માસિક પગાર આપવામાં આવતો હતો, જ્યારે શાળા દ્વારા રેકોર્ડમાં અલગ પગાર દર્શાવાયો હત. 35 વર્ષથી કામ કરતા ફાલ્ગુનીબેનને પણ રૂ. 17,000 પગાર દર્શાવવામાં આવ્યો હતો.
પરિવારજનોએ નાયબ કલેકટરને સોગંદનામુ રજૂ કર્યું છે કે ખોટી સહીના આરોપોની ચોકસાઇ માટે પોલીસ તપાસ થવી જોઈએ. સાથે જ અદાલતમાંથી ખોટા પુરાવા રજૂ કરવા માટે શાળા સંચાલકો સામે કડક કાર્યવાહી કરાવવાની માંગ પણ કરવામાં આવી છે. નાયબ કલેકટરે સમગ્ર કેસને ગંભીરતાથી ધ્યાનમાં લેતાં આગળની સુનાવણી 30 જાન્યુઆરીના રોજ નક્કી કરી છે.
