Vadodara

હરણી બોટકાંડમાં મૃતક દીઠ પરિવારને રૂ. 5 કરોડનું વળતર ચૂકવવા માંગ


ઠરાવ વગર લેટરપેડ અગાઉથી છપાઇ જાય તે ભ્રષ્ટાચારનો પુરાવો

તમામ હકીકતોને ધ્યાને લેવામાં આવે તો કોટીયા પ્રોજેક્ટસ, વડોદરા પાલિકા, સનરાઇઝ સ્કુલ, અને સરકારની વળતર ચૂકવવાની જવાબદારી બને

તાજેતરમાં 14 બાળકો અને શિક્ષકોના મોતનું કારણ બનનાર હરણી બોટકાંડને એક વર્ષ પૂર્ણ થયું હતું. આજે પણ મૃતકના પરિજનો ન્યાયની માંગણી સાથે ઠોકરો ખાઇ રહ્યા છે. ત્યારે આજરોજ પીડિત પક્ષના વકીલ દ્વારા નાયબ કલેક્ટર, વડોદરાને પત્ર લખવામાં આવ્યો છે. જેમાં વિવિધ મુદ્દાસર રજુઆત કરવામાં આવી છે. જેમાં આખરમાં માંગ મુકવામાં આવી છે કે, મૃતક દીઠ પરિવારને રૂ. 5 કરોડ અને ઇજાગ્રસ્ત દીઠ પરિવારને રૂ. 50 લાખ ચૂકવવામાં આવે.

હાઇકોર્ટના આદેશ બાદ હાલ પીડિત પરિવારોને વળતર માટેની કાર્યવાહી ચાલી રહી છે. પીડિત પક્ષના વકીલ હિતેષ ગુપ્તાએ નાયબ કલેક્ટર, વડોદરાને પત્ર લખીને જણાવ્યું છે કે, હરણી બોટ કાંડમાં હાઇકોર્ટ દ્વારા સ્યુઓમોટો સંજ્ઞાન લઇને સુનવણી હાથ ધરવામાં આવી રહી છે. જેમાં ઘણા મુદ્દાઓ કોર્ટ સમક્ષ આવ્યા છે. સુનવણી દરમિયાન કોર્ટે 15 મૌખિક ઓર્ડર કર્યા છે. જેને ધ્યાને લઇને રજુઆત કરવામાં આવી રહી છેે. તમારા દ્વારા ઇશ્યુ કરવામાં આવેલી નોટીસ મુજબ 14 લોકોના મોત થયા છે. જ્યારે બે ઇજાગ્રસ્ત છે. ત્યારે ધ્યાન દોરવાનું કે, દુર્ઘટના સમયે બોટમાં 27 વ્યક્તિઓ બેઠેલા હતા. તે પૈકી 14 ના મોત નિપજ્યા છે. આ બનાવમાં બે થી વધુ ઇજાગ્રસ્ત હોવાની શક્યતા છે. તેઓને મનોચિકિત્સકની સારવાર લેવાની જરૂરિયાત જણાય છે. તેઓનો પણ ઇજાગ્રસ્તોની યાદીમાં સામેલ કરીને વળતર ચુકવણીમાં સામેલ કરવા જોઇએ. વધુમાં જણાવ્યું કે, આ ઘટનામાં આરોપીઓ દ્વારા ગુનાહિત કૃત્ય આચરવાના કારણે લોકો તેનો ભોગ બન્યા છે. તેથી આ ગુનો મોટર વ્હીકલ એક્ટ હેઠળનો ના હોય અને તેની કોઇ જોગવાઇનો ભંગ થયો ના હોવાથી વળતર નક્કી કરવા આશયથી આ હકીકત ધ્યાને લેવી જરૂરી છે. હરણી લેકઝોનનો કોન્ટ્રાક્ટ કોટીયા પ્રોજેક્ટને પીપીપી ધોરણે આપવામાં આવ્યો હતો. જેમાં નિયમોને નેવે મુકીને ગેરકાયદેસર રીતે આપવામાં આવ્યો હતો. જેથી શિક્ષકો અને બાળકોએ તેનો ભોગ બનવું પડ્યું હતું. આ કેસમાં પાલિકાની વળતર ચૂકવવાની કોટીયા પ્રોજેક્ટના ભાગીદારો સાથે સંયુક્ત જવાબદારી બને છે. આ મામલે જે ઇન્કવાયરીના દસ્તાવેજો કોર્ટમાં મુકવામાં આવ્યા તે હકીકતો કલેક્ટરની ઇન્કવાયરીમાં નહોતી.વર્ષ 2015 – 17 દરમિયાન ગેરકાયદેસર પ્રવૃત્તિ અને ભ્રષ્ટાચારની વિગતો આવેલી નહોતી. ટુંક સમય પહેલા જ મ્યુનિ. કમિ. દ્વારા રીટાયર્ડ ઇજનેર રાજેશ ચૌહાણ તથા અન્યને દોષી ઠરાવવામાં આવ્યા છે. જેથી તે સમયે ફરજ બજાવતા અધિકારીઓએ પોતાની ફરજ યોગ્ય રીતે નિભાવી નથી. તે તમામ અધિકારીઓ વળતરની ચૂકવણીમાં જવાબદાર બને છે. વધુમાં જણાવ્યું કે, રીટાયર્ડ એન્જિનીયરને રૂ. 5 હજારનો આજીવન પેન્શન કાપનો નિર્ણય લેવામાં આવ્યો છે. વડોદરા પાલિકાની સંયુક્ત જવાબદારી બનતી હોય ત્યારે આ દંડની રકમનો હકદાર પીડિત પરિવાર છે. જે ધ્યાને લેવા વિનંતી કરાઇ છે.

સનરાઇઝ શાળા દ્વારા જરૂરી પરવાનગી લીધા વગર જ ગેરકાયદેસર રીતે પ્રવાસનું આયોજન કર્યું હતું

આ પ્રવાસમાં સનરાઇઝ શાળા દ્વારા જરૂરી પરવાનગી લીધા વગર જ ગેરકાયદેસર રીતે પ્રવાસનું આયોજન કર્યું હતું. માતા-પિતાએ વિશ્વાસ રાખીને શાળાને પોતાના સંતાનો સોંપ્યા હતા. શાળાએ પોતાનો આર્થિક ફાયદો વિચારીને નાણાં કમાવવાની લાલચે હરણી લેકઝોન લઇ ગયા હતા. જેમાં આ દુર્ઘટના ઘટી હતી. આજદિન સુધી શાળા સંચાલકોએ પીડિત પરિવારો તરફે કોઇ દરકાર લીધી નથી. તેઓ પાલિકાની જગ્યાનો શાળાની મિલ્કત તરીકે ઉપયોગ કરીને ફાયદો મેળવેલો છે. શાળા સંચાલકોની પણ વળતર ચૂકવવાની સ્પષ્ટ જવાદારી બને છે.

ઠરાવ વગર લેટરપેડ અગાઉથી છપાઇ જાય તે ભ્રષ્ટાચારનો પુરાવો છે

વર્ષ 2017 માં કરાર કરીને કોટીયા પ્રોજેક્ટસને 30 વર્ષ માટે તળાવ આપવામાં આવ્યું હતું. આ અંગે ચર્ચા વિચારણા બાદ નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યારે વર્ષ 2016 ને ઉદ્દેશીને કમિશનરને ઉદ્દેશીને લખવામાં આવેલો પત્ર ધ્યાને ના આવ્યો જેના લેટર પેડ પર તો લેકઝોન હરણી લખેલું હતું. ઠરાવ વગર લેટરપેડ અગાઉથી છપાઇ જાય તે ભ્રષ્ટાચારનો પુરાવો છે. આ કંપની વર્ષ 2015 માં શરૂ કરવામાં આવી હતી. તેમના ઇવેલ્યુએશન રીપોર્ટમાં દર્શાવેલી વિગતો ખોટી હોવાનું જણાય છે. આ કિસ્સામાં સરકાર પણ સંયુક્ત રીતે વળતર ચૂકવવા માટે જવાબદાર છે. આ દુર્ઘટનામાં મૃતકોના પરિવારના નુકશાનને વળતર આંકી શકે નહીં. તમામ હકીકતોને ધ્યાને લેવામાં આવે તો કોટીયા પ્રોજેક્ટસ, વડોદરા પાલિકા, સનરાઇઝ સ્કુલ, અને સરકારની વળતર ચૂકવવાની જવાબદારી બને છે. તમામને ધ્યાને રાખીને મોટર વ્હીકલ એક્ટની જોગવાઇઓ અનુસાર નહીં પરંતુ તમામ જવાબદારોને ધ્યાને રાખીને મૃતક દીઠ રૂ. 5 કરોડ અને ઇજાગ્રસ્ત દીઠ રૂ. 50 લાખ ની રકમ સંયુક્ત રીતે ચૂકવવાનો આદેશ થાય તો ન્યાયનો હેતુ જળવાય તેમ છે. જેથી વધુમાં વધુ વળતર ચૂકવવાનો રીપોર્ટ કરવા નમ્ર અરજ છે.

Most Popular

To Top