વડોદરા: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે વિશ્વામિત્રી પ્રોજેક્ટના નિરીક્ષણ અને વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ માટે શહેરમાં ઉપસ્થિત રહ્યા. પરંતુ કાર્યક્રમ દરમિયાન એક અણધારી ઘટના સામે આવી છે. હરણી બોટકાંડમાં પોતાના સંતાનો ગુમાવનારી બે પીડિત માતાઓ પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગરગૃહ ખાતે યોજાયેલા CMના કાર્યક્રમમાં પહોંચી ગયા. જેમ જ મુખ્યમંત્રી પોતાના ભાષણ માટે મંચ પર ઊભા થયા, તે ક્ષણે જ આ માતાઓએ ન્યાયની માંગ સાથે અવાજ ઉઠાવવાનો પ્રયાસ કર્યો. આ દૃશ્યે સમગ્ર હોલમાં એક ક્ષણ માટે સૌ કોઈ અચંબિત થઈ ગયા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તરત જ પ્રતિક્રિયા આપતાં કહ્યું, “બેન તમે એજન્ડા સાથે આવ્યા છો. તમે મને મળી ને જજો. આપણે તેમની પર ધ્યાન આપવાની જરૂર નથી, તેઓ એજન્ડા સાથે આવ્યા છે.” આમ, મુખ્યમંત્રીએ તેમને જાહેર કાર્યક્રમમાં રજૂઆત કરવી યોગ્ય ન હોવાનું જણાવીને કહ્યું કે, “કોઈપણ નાગરિકને મુશ્કેલી હોય તો અમે સોમવારે તમામ નાગરિકોને મળી તેમની વાત સાંભળીએ છીએ.”