“અરજી કરવા છતાં પોલીસે કઈ જ ન કર્યું” ઈજાગ્રસ્ત ચાલકનો આક્ષેપ; મહેશ સરદારજી સહિત ૫ શખ્સો સામે રોષ
વડોદરા: સંસ્કારી નગરી વડોદરાના વ્યસ્ત ગણાતા અમિતનગર સર્કલ પાસે આજે સવારે મુસાફરો બેસાડવા જેવી સામાન્ય બાબતે ગંભીર ઝઘડો થતા ચકચાર મચી ગઈ છે. અમદાવાદ-વડોદરા વચ્ચે દોડતી ખાનગી ગાડીઓમાં મુસાફરો ભરવા બાબતે થયેલી તકરારમાં પાંચ શખ્સોએ ભેગા મળી એક ઈકો ગાડીના ચાલક પર લોખંડના પાઈપ અને હથિયારો વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા હરીશ ગઢવી નામના યુવકને તાત્કાલિક સારવાર અર્થે એસ.એસ.જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, અમિતનગર સર્કલ કે જ્યાંથી અમદાવાદ અને વડોદરા વચ્ચે ખાનગી વાહનોની અવરજવર મોટી સંખ્યામાં રહે છે, ત્યાં આજે સવારે 10:30 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. હરીશ ગઢવી પોતાની ઇકો ગાડીમાં મુસાફરોને અમદાવાદ લઈ જવા માટે બેસાડી રહ્યો હતો. આ દરમિયાન ત્યાં હાજર મહેશ નામના અન્ય વાહન ચાલક સાથે તેને મુસાફરો ભરવા બાબતે બોલાચાલી થઈ હતી.

આ બોલાચાલીએ જોતજોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. મહેશ અને તેની સાથેના અન્ય ચાર શખ્સોએ ઉશ્કેરાઈ જઈને હરીશ ગઢવી પર હુમલો કરી દીધો હતો. હુમલાખોરોએ લોખંડના પાઈપ અને ધારદાર હથિયાર વડે હરીશને નિર્મમ રીતે માર માર્યો હતો, જેના કારણે તેને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી.

હોસ્પિટલના બિછાનેથી ઈજાગ્રસ્ત હરીશ ગઢવીએ ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, આ શખ્સો અવારનવાર આવી રીતે દાદાગીરી કરે છે. અગાઉ પણ આ શખ્સોએ તેની સાથે માથાકૂટ કરી હતી, જે અંગે તેણે હરણી પોલીસ મથકમાં લેખિત અરજી આપી હતી. જોકે, હરણી પોલીસ દ્વારા તે સમયે કોઈ યોગ્ય કાર્યવાહી ન કરવામાં આવતા મંગળવારે આ શખ્સોએ હિંમત કરી ફરીથી જીવલેણ હુમલો કર્યો છે. ઈજાગ્રસ્તના પરિવારે રોષ વ્યક્ત કર્યો છે કે જો પોલીસે અગાઉ પગલાં લીધા હોત તો આ લોહિયાળ ઘટના ટાળી શકાઈ હોત.

ઈજાગ્રસ્તના જણાવ્યા મુજબ, હુમલામાં મહેશ સરદારજી, તેનો પુત્ર અને અન્ય ત્રણ અજાણ્યા શખ્સો સામેલ હતા. હાલમાં હરીશ ગઢવીની હાલત સ્થિર છે પરંતુ તેને ઊંડી ઈજાઓ પહોંચી છે. આ મામલે પોલીસ હવે શું કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું.