વડોદરા , તા. ૨૪
હરણી બોટ દુર્ઘટનામાં ઝડપાયેલા આરોપીઓને કોર્ટમાં હાજર કર્યા બાદ પરત ફરી રહેલા આરોપીના મોઢા પર કોંગ્રેસના યુવા નેતાએ કાળી શ્યાહી નાખી મો કાળું કરતા પોલીસે તેને ઝડપી પાડ્યો.
હરણી બોટ કાંડમાં માસુમોને મોતના મુખમાં ધકેલનાર મે.કોટિયાના ભાગીદાર બિનીત કોટીયાને આજે રિમાન્ડ માટે કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. જ્યાં કોર્ટે તેના આઠ દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા જે બાદ તેને કોર્ટમાંથી બહાર લાવવામાં આવી રહ્યો હતો તે દરમ્યાન કોંગ્રેસના યુવા નેતા કુલદીપસિંહ વાઘેલા દ્વારા તેના ઉપર શ્યાહી ફેંકવામાં આવી અને આરોપીઓ પ્રત્યેનો આક્રોશ વ્યક્ત કર્યો. જો કે પોલીસ દ્વારા બિનીત કોટીયાને ચુસ્ત જાપ્તા હેઠળ ગાડીમાં બેસાડી દેવામાં આવ્યો અને ત્યાંથી રવાના થઇ ગયા હતા. ઉલ્લેખનીય છે કે 12 માસુમ બાળકો અને શિક્ષકોના મોતના પગલે સહુ કોઈમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે. અને આ ઘટનાનાં મુખ્ય આરોપી ભલે હજુ સુધી ફરાર હોય પરંતુ મોત પાછળ જવાબદાર દરેક પ્રત્યે લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો છે અને તમામ સામે કડક રાહે પગલાં ભરવામાં આવે તેવી તમામ શહેરીજનો દ્વારા માંગ કરવામાં આવી રહી છે.