કાપડના વેપારીને સરકારી તંત્રનો કડવો અનુભવ થયો
નવું રેશન કાર્ડ કઢાવવા માટે નર્મદા ભવન ખાતે પહોંચતા મામલો ઉજાગર થયો :
( પ્રતિનિધી )વડોદરા,તા.7
વડોદરામાં હયાત વ્યક્તિને સરકારી રેકોર્ડમાં મૃત દર્શાવ્યો હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેને પગલે સરકારી તંત્રની પોલ ખુલી જવા પામી છે. આ અંગેનું કારણ પુછતા ઉદ્ધતાઇપૂર્વક જવાબ મળ્યો કે, બહેસ ના કરો, બાદમાં સરકારી રેકોર્ડમાં જીવીત કરવા માટે 20 દિવસનો સમય માંગ્યો હતો.

વડોદરા શહેરમાં કાપડના વેપારીને સરકારી તંત્રનો કડવો અનુભવ થયો છે. તેમનું રેશન કાર્ડ ખોવાઇ જતા, નવું રેશન કાર્ડ કઢાવવા માટેની પ્રક્રિયા માટે ગયા ત્યારે તેમને ધ્રાસકો પડે તેવી સરકારી રેકોર્ડની હકીકત જાણવા મળી હતી. આ ઘટનાને લઇને સરકારી તંત્રની કામગીરી વધુ એક વખત શંકાના દાયરામાં આવી છે. સિસ્ટમમાં તમારા પિતા મૃત વ્યક્તિ છે. કાપડનો વેપાર કરતા જીયાઉલ રહેમાન હનીફભાઇ કચ્છીનું રેશન કાર્ડ ખોવાઇ ગયું હતું. જેથી તેમણે નવું રેશન કાર્ડ કઢાવવા માટે નર્મદા ભવન ખાતે આવેલી કચેરીએ પહોંચ્યા હતા. ત્યાં બે કલાક લાંબી લાઇનમાં ઉભા રહ્યા બાદ તેમનો નંબર આવ્યો હતો, જ્યાં તેમણે જાણ્યું કે, તેમનું રેશન કાર્ડ બંધ થઇ ગયું છે. બાદમાં તેઓ ફોર્મ ભરીને ફરીથી લાઇનમાં ઉભા રહ્યા હતા. ત્યાર બાદ તેમણે ફોર્મ જમા કરાવતા, બીજા દિવસે આવવા જણાવ્યું હતું. બીજા દિવસે તેમનો પુત્ર કચેરીએ પહોંચ્યો તો કર્મચારીએ આંચકાજનક વાત જણાવી કે , સિસ્ટમમાં તમારા પિતા મૃત વ્યક્તિ બતાવી રહ્યા છે. જેની સામે પુત્રએ જણાવ્યું કે, મારા પિતા જીવીત છે, તેમનું આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ પણ એક્ટિવ છે. સાથે જ સંલજ્ઞ ડોક્યૂમેન્ટસ પણ આપ્યા હતા. આ તકે સરકારી કર્મચારીએ મદદ કરવાની જગ્યાએ તેણે કહ્યું કે, મારી જોડે બહેસ ના કરો. બાદમાં જણાવી દીધું કે, તમારા પિતાને લઇને આવીને તેમના ફીંગર પ્રિન્ટ સ્કેન કરાવીને કલેક્ટર કચેરીમાં ફોર્મ ભરીને એપ્રુવલ લઇ આવવા જણાવ્યું હતું. વેપારીના પુત્રએ આ વાત તેમને જણાવતા તેઓ પણ ચોંકી ઉઠ્યા હતા. અને સરકારી તંત્ર સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. બીજી તરફ પુરવઠા અધિકારીએ જણાવ્યું કે, આ પ્રકારના કેસ જવલ્લેજ જોવા મળતા હોય છે. ટેક્નિકલ કારણેસર આ સમસ્યા સર્જાઇ હોઇ શકે છે. જેનું તાત્કાલિક નીરાકરણ લાવવામાં આવ્યું છે.