વડોદરા: વડોદરા મહાનગરપાલિકાની ખોરાક શાખાના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા શહેરના ગોત્રી વિસ્તારમાં ખાદ્ય દુકાનોની હાઈજિન તપાસ હાથ ધરવામાં આવી હતી. મહાનગરપાલિકા તરફથી જાહેર કરાયેલા અહેવાલ મુજબ ગોત્રી કૃણાલ ચાર રસ્તા વિસ્તારમાં ખોરાક બનાવતી અને વેચતી દુકાનોમાં ગંદકી હોવાના કારણે કુલ ૧૩થી વધુ દુકાનો તાત્કાલિક બંધ કરાવવામાં આવી છે.

બંદ કરાયેલી દુકાનોમાં ખાસ કરીને જય ભવાની પંજાબીખાના, ફેન્સી ચુલા ઢોસા, લાઇવ ઢોસા, બાલાજી ઢોસા, ચટાકો રીયલ પંજાબીખાના, રવીરાજ ગાંઠિયા અને ફરસાણ, શ્રી જનતા આઇસક્રીમ, પ્રભુ બોમ્બે પાઉભાજી અને પુલાવ, પ્રભુ બોમ્બે દાબેલી અને વડાપાઉ, પ્રભુ બોમ્બે ભેલપકોડી અને પાણીપુરી, આનંદ ઢોસા, શ્રી પંજાબીખાના જેવી લોકપ્રિય દુકાનોનો સમાવેશ થાય છે. તે ઉપરાંત માંજલપુરમાં આવેલ શ્રીજી હાઈટ્સના દુકાન નંબર-૨ ખાતે આવેલી ‘હનુરામ ચાઇનીઝ’ દુકાનને પણ અનહાઈજેનિક સ્થિતિ હોવાને કારણે “શીડ્યુલ-૪” નોટિસ અપાઈ છે. આ નોટિસ અંતર્ગત વ્યવસાયિકોને ખાદ્ય સ્થળની સ્વચ્છતા જાળવવા અને યોગ્ય સેનિટેશન પદ્ધતિ અપનાવા કડક સૂચનાઓ આપવામાં આવી છે.

મહાનગરપાલિકાની “ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ” મોબાઈલ ટેસ્ટિંગ વાન દ્વારા સુરસાગર ચાર રસ્તા વિસ્તારમાં અલગ અલગ ખાદ્ય નમૂનાઓનું સ્થળ પર જ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. કુલ ૨૩ નમૂનાઓમાં મરચું પાઉડર, રેડ ચટણી, પાણીપુરીનું પાણી વગેરેનો સમાવેશ થાય છે. તપાસ દરમિયાન ૯ જેટલી લારીઓના ફૂડ વેન્ડર્સને સ્થળ પર જ ટ્રેનિંગ આપી હાઈજિન જાળવવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.