શહેરા: મોરવાહડફ તાલુકાના હડફ જળાશયમાં સતત પાણીની આવકથી જળસપાટી ૧૬૪.૦૦ મીટરે પહોંચતા, રુલ લેવલ જાળવી રાખવા માટે જળાશયનો એક દરવાજો એક ફૂટ સુધી ખોલવામાં આવ્યો હતો. જેના પરિણામે ૧૨૨૦ ક્યુસેક પાણી હડફ નદીમાં છોડવામાં આવ્યું છે.
સોમવારે જળાશયમાં ૩૦૦ ક્યુસેકની આવક નોંધાઈ હતી. ઉપરવાસ અને કેચમેન્ટ વિસ્તારમાં સાર્વત્રિક વરસાદ થવાથી જળસપાટીમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. ૧૬૪ મીટર રુલ લેવલ પર જતાં તંત્રે પાણી છોડવાનો નિર્ણય લીધો હતો.
નદીમાં પાણી છોડાતા વહેણમાં વધારો થયો છે, જેને લઈને તંત્રએ નદીકાંઠે વસતા સ્થાનિકોને સાવચેત રહેવા સૂચના આપી છે અને નદી નજીક ન જવા અનુરોધ કર્યો છે. તાત્કાલિક હાલતમાં તબક્કાવાર વધુ પાણી છોડવાની પણ શક્યતા તંત્રે દર્શાવી છે.