કમિશન ₹3 કરવાના સરકારી આશ્વાસન બાદ ગુજરાતની 17,000 દુકાનો ફરી ધમધમશે; મિનિમમ કમિશન ₹30,000 કરવા માટે પણ સકારાત્મક વલણ


વડોદરા સહિત સમગ્ર ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલી સસ્તા અનાજની દુકાનના દુકાનદારોની હડતાળનો આખરે અંત આવ્યો છે. ગુજરાત સરકારના હસ્તક્ષેપ અને ખાદ્ય અને નાગરિક પુરવઠા વિભાગ સાથેની મંગળવારની વાટાઘાટો બાદ એસોશિએશને તેમની હડતાળ સમેટી લેવાનો નિર્ણય કર્યો છે.
હડતાળ સમેટવાના મુખ્ય કારણોમાં દુકાનદારોના કમિશનમાં વધારો કરવાની તેમની પ્રમુખ માંગણીનો સ્વીકાર છે. સરકારે દુકાનદારોને આશ્વાસન આપ્યું છે કે તેમનું કમિશન પ્રતિ કિલો ₹1.50 થી વધારીને ₹3 કરવામાં આવશે. સરકારે આગામી પંદર દિવસમાં આ પ્રસ્તાવ રજૂ કરવાની ખાતરી આપી છે.
આ ઉપરાંત, અન્ય એક મહત્વની માંગણી પણ સ્વીકારવામાં આવી છે. સરકારે મિનિમમ ગેરેન્ટેડ કમિશન ₹20,000 થી વધારીને ₹30,000 કરવા પર હકારાત્મક વલણ દર્શાવ્યું છે. આ પ્રસ્તાવને ઔપચારિક મંજૂરી માટે નાણા મંત્રાલયને મોકલવામાં આવશે.
સમગ્રપણે, દુકાનદારોના એસોશિએશને કુલ વીસમાંથી સત્તર જેટલી નાની-મોટી માગણીઓ સ્વીકારી લેવાઈ હોવાનું જણાવ્યું છે.
એસોશિએશનના પ્રમુખ પ્રહલાદ મોદીએ મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે, “બેઠક ખૂબ જ સાનુકૂળ વાતાવરણમાં યોજાઈ હતી અને અમારી પાંચ મુખ્ય માગણીઓમાંથી બે મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર સરકારનો સકારાત્મક પ્રતિભાવ પ્રાપ્ત થયો છે.”
સમાધાન બાદ, ગુજરાતભરની અંદાજે 17,000 સસ્તા અનાજની દુકાનો ફરીથી શરૂ થશે, જેનાથી ગરીબોને રાહતદરે અનાજ વિતરણની પ્રક્રિયા પૂર્વવત શરૂ થઈ શકશે. આ નિર્ણયથી લાખો લાભાર્થીઓને હાલાકીમાંથી મુક્તિ મળી છે.