ઝિન્કા અંગે પણ સંભાળ રાખવા સરકારનું એલર્ટ
વડોદરા, તા.
શહેરમાં ચોમાસાની ઋતુ શરૂ થયે માંડ ગણતરીના દિવસો થયા છે ત્યાં વિવિધ વિસ્તારમાં ડેન્ગ્યુના દર્દીઓ વધવા લાગ્યા છે. ખાસ કરીને સ્લમ વિસ્તારમાં ડેન્ગ્યુના દર્દીઓમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળી રહ્યો છે. તો પાડોશી રાજ્યમાં ઝીંકાનો દર્દી નોંધાતા રાજ્ય સરકારે વિવિધ કોર્પોરેશનને એલર્ટ મોડ પર રહેવાની તાકીદ કરી છે.
શહેરમાં ચોમાસાની ઋતુ શરૂ થવાની સાથે મચ્છરજન્ય રોગચાળાએ માથું છે. ચોમાસાની શરૂઆત સાથે વિવિધ વિસ્તારોમાં મચ્છરથી થતા ડેન્ગ્યુ, મેલેરિયા જેવા કેસ વધવા લાગ્યા છે. આ વચ્ચે પાલિકાના આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું છે કે, શહેરમાં જે ડેન્ગ્યુના કેસ નોંધાતા હતા તેમાં છેલ્લા બે દિવસમાં આ કેસ લગભગ બમણા થઈ ગયા છે. ખાસ કરીને ખાનગી હોસ્પિટલોમાં પણ ડેન્ગ્યુના દર્દીઓ વધવા લાગ્યા છે. જો વાત કરીએ તો સ્લમ વિસ્તાર જ્યાં ખાસ કરીને પાણી ભરાઈ રહેવાની સમસ્યા વધુ હોય છે ત્યાં ડેન્ગ્યુના દર્દીઓનો ઉત્તરોત્તર વધારો જોવા મળી રહ્યો છે. આ વચ્ચે કોર્પોરેશનના આરોગ્ય વિભાગે વધતા કેસને ધ્યાનમાં રાખીને અસરગ્રસ્ત વિસ્તારમાં ફોગિંગની કામગીરી વધારવાનું આયોજન હાથ ધરી દીધું છે.
તો આ સાથે મહારાષ્ટ્રમાં ઝીંકા વાયરસનો કેસ નોંધાતા રાજ્ય સરકારે પાલિકાને એલર્ટ આપ્યું છે. હાલ દેશના કેટલાક રાજ્યોમાં ઝીંકા વાઇરસની અસર જોવા મળી રહી છે. વિવિધ રાજ્યોમાં ઝીંકા વાયરસના દર્દીઓ નોંધાયા છે. આ વચ્ચે તાજેતરમાં મહારાષ્ટ્રમાં ઝીંકા વાયરસનો દર્દી નોંધાતા ગુજરાત સરકાર એલર્ટ મોડ પર આવી ગઈ છે. રાજ્ય સરકારે તમામ મહાનગરોને ઝીંકા વાયરસ અંગે હાઈ એલર્ટ અંગેની તાકીદ કરી છે.