યુનાઇટેડ વેના ખેલૈયાઓ દ્વારા આજુબાજુની સોસાયટીઓની બહાર કરવામાં આવતા આડેધડ વાહન પાર્કને લઈને સ્થાનિકો હેરાન પરેશાન*
*આયોજકો સામે પગલાં લેવામાં પોલીસ અને ટ્રાફિક પોલીસના આંખ આડા કાન*
(પ્રતિનિધિ) વડોદરા તા 25
યુનાઈટેડ વે ગરબા વારંવાર વિવાદોમાં હોવા છતાં સમગ્ર પ્રસાશન મૂક પ્રેક્ષક બની ગયું છે. અહી ગરબા રમવા માટે આવતા ખેલૈયાઓ માટે યોગ્ય વાહન પાર્કિંગની વ્યવસ્થા આયોજકો દ્વારા ન કરાતાં ગરબા ખેલૈયાઓ આસપાસના રહેણાંક વિસ્તારમાં આવેલી સોસાયટીઓ બહાર પોતાના વાહનો પાર્ક કરી દેતાં સ્થાનિકો હેરાનપરેશાન થઈ ગયા છે જેને લઇને ત્રીજા નોરતે સ્થાનિકોનો આક્રોશ જોવા મળ્યો છે. આ પહેલા પોલીસ કમિશનરે મોટા ઉપાડે એવી જાહેરાત કરી હતી કે ગરબા આયોજકોએ પાર્કિગની પૂરતી વ્યવસ્થા કરવી પડશે, પણ અહીં પગલાં લેતા પોલીસના હાથ ધ્રૂજી રહ્યા હોય એવું લાગી રહ્યું છે.
યુનાઇટેડ વે ગરબા આયોજકો દ્વારા ગરબા મેદાન ખાતે ગરબા રમવા માટે આવતા ગરબા ખેલૈયાઓ માટે યોગ્ય અને પૂરતી વાહન પાર્કિંગની વ્યવસ્થા ન કરાતાં અહીં ત્રીજા નોરતે ગરબા ખેલૈયાઓએ આસપાસના રહેણાંક વિસ્તારમાં આવેલી સોસાયટીઓ બહાર આડેધડ રીતે પોતાના વાહનો પાર્ક કરતા સ્થાનિકો પરેશાન થયા છે.
જેને લઇને સ્થાનિકોમાં આક્રોશ જોવા મળ્યો છે.આયોજકોની સાથે ખેલૈયાઓની પણ દાદાગીરી જોવા મળી છે .
વડોદરા શહેરના કલાલી વિસ્તારોમાં યોજાતા યુનાઇટેડ વે ગરબાના આયોજકો દ્વારા પાર્કિંગની સમાચાર લઈને અનેક વખત વિવાદોમાં આવ્યા પરંતુ તંત્રનું પેટનું પાણી હાલતું નથી. કારણ પોલીસ, ટ્રાફિક પોલીસ, પાલિકા તંત્ર સહિત પ્રશાસન મૂકપ્રેક્ષક બની ગયું છે.
અહીં માત્ર ટ્રાફિક પોલીસ નામની કાર્યવાહી કરતું હોય તેવું લાગે છે. ખેલૈયાઓના આડેધડ વાહનો પાર્કિંગના કારણે સ્થાનિક લોકોને હાલાકી પડી ગઈ છે. આ સોસાયટીઓમાં સિનિયર સિટીઝન લોકો પણ હેરાન પરેશાન થઈ ગયા છે .
સ્થાનિક લોકોએ અનેક વખત તંત્રને જાણ કરી પરંતુ માલેતુજાર આયોજકોની સામે જાણે તંત્ર લાચાર બની ગયું છે.તંત્રની નીતિને લઈ લોકો હેરાન થઈ રહ્યા છે.જો કોઈ અકસ્મિક બનાવો બને તો ઇમર્જન્સી વાહન પણ અંદર આવી શકે તેવી સ્થિતિ નથી રહી .
બીજી તરફ યુનાઇટેડ વે ગરબાના સુરક્ષા માટે રાખેલા બાઉન્સરોની પણ દાદાગીરી જોવા મળી રહી છે ગ્રાઉન્ડમાં પાર્કિંગના બદલે સોસાયટીઓના રોડ ઉપર વાહનો પાર્ક કરવા મજબૂર કરે છે. જેને લઈને લોકો હેરાન પરેશાન થઈ ગયા છે ત્યારે સ્થાનિક લોકોએ આજે મીડિયા સમક્ષ પોતાની વેદના સાથે આયોજકો અને તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને આ ગરબા આયોજકો સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી.