Editorial

સ્વીસ બેન્કોમાં ભારતીયોનાં નાણાંમાં ઘટાડો થઇ રહ્યો છે: માહિતીની આપ-લેના કરારનું પરિણામ?

એક સમયે સ્વીસ બેન્કો કાળા નાણાંના સંગ્રહ સ્થાન તરીકે દુનિયાભરમાં બદનામ હતી. આજે પણ થોડા અંશે છે જ. સ્વીસ બેન્કો ગોપનીયતાના નામે પોતાના ગ્રાહકોની વિગતો ખૂબ ખૂબ ગુપ્ત રાખતી હતી અને ભારત સહિત વિશ્વના અનેક દેશોના ધનવાનો તે બેંકોમાં પોતાના કાળા નાણાં મૂકતા હતા.  ભારે ટીકાઓ પછી સ્વીત્ઝર્લેન્ડની સરકારે ભારત સહિત વિશ્વના અનેક દેશોની સરકારો સાથે માહિતીની આપ-લેના કરારો કર્યા, જેના અંતર્ગત સ્વીસ બેન્કોએ પોતાને ત્યાં જેમના ખાતા છે તે ગ્રાહકોના નામ વગેરેની વિગતો આપવા માંડી.

હવે દર વર્ષે આ વિગતો આપવામાં આવે છે, જો કે મર્યાદિત વિગતો જ આપવામાં આવે છે. સ્વીસ બેંકોમાં ભારતીય વ્યક્તિઓ અને કંપનીઓ દ્વારા મૂકવામાં આવેલા ભંડોળો, જેમાં સ્થાનિક શાખાઓ  તથા અન્ય નાણાકીય સંસ્થાઓ દ્વારા મૂકવામાં આવેલા ભંડોળોનો પણ સમાવેશ થાય છે તે વર્ષ ૨૦૨૩માં તીવ્રપણે  ૭૦ ટકા ઘટી જઇને ચાર વર્ષના નીચા ૧.૦૪ અબજ સ્વીસ ફ્રાન્ક(રૂ. ૯૭૭૧ કરોડ)ના સ્તરે પહોંચી ગયા હતા એમ સ્વીત્ઝર્લેન્ડની મધ્યસ્થ બેંકના વાર્ષિક આંકડાઓ હાલમાં જણાવતા હતા.

સ્વીસ બેંકોના ભારતીય ગ્રાહકોના કુલ ભંડોળોમાં સતત બીજા વર્ષે ઘટાડો થયો છે, જેના પહેલા વર્ષ ૨૦૨૧માં આ ભંડોળો ૧૪ વર્ષના ઉંચા ૩.૮૩ સ્વીસ ફ્રાન્કના સ્તરે પહોંચ્યા હતા. આના પછી બે વર્ષથી સ્વીસ બેંકોમાં ભારતીયોના નાણામાં ઘટાડો થઇ રહ્યો છે. આ ઘટાડો વ્યાપકપણે બોન્ડ્સ, જામીનગીરીઓ અને અન્ય વિવિધ નાણાકીય સાધનો વડે રોકવામાં આવતા નાણામાં થયેલા મોટા પ્રમાણમાં ઘટાડાથી પ્રેરિત છે. આ ઉપરાંત ભારતમાંની અન્ય બેંક શાખાઓ મારફતે રાખવામાં આવતા ગ્રાહક થાપણ ખાતાઓ અને ભંડોળોની રકમમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે એમ આંકડા દર્શાવે છે.

આ સ્વીસ નેશનલ બેંક(એસએનબી) દ્વારા આપવામાં આવેલ સત્તાવાર આંકડાઓ છે અને તે જેની ઘણી ચર્ચા થાય છે તે સ્વીસ બેંકોમાં ભારતીયો દ્વારા મૂકવામાં આવતા કથિત કાળા નાણાનો સંકેત આપતા નથી. આ આંકડાઓમાં ભારતીયો, એનઆરઆઇઓ તથા અન્યો દ્વારા સ્વીસ બેંકોમાં કોઇ ત્રીજા દેશના એકમોના નામે જો કોઇ નાણા મૂકવામાં આવ્યા હોય તો તેનો પણ સમાવેશ થતો નથી. અત્રે ઉલ્લેખનીય છે કે સ્વીસ બેન્કોમાં મૂકવામાં આવતા બધા જ નાણાં કંઈ કાળા નાણાં હોતાં નથી. સાથે એ પણ હકીકત છે કે ઘણા લોકો કાળા નાણાં સંતાડવા માટે જ સ્વીત્ઝર્લેન્ડ કે અન્ય ટેક્સ હેવન દેશોની બેંકોની પસંદગી કરતા હોય છે.

સ્વીસ બેંકોમાં ભારતીયોના નાણા વર્ષ ૨૦૦૬માં વિક્રમી ઉંચાઇએ હતા, ત્યારે આ નાણા ૬.પ અબજ સ્વીસ ફ્રાન્ક જેટલા હતા,  જેના પછી મોટે ભાગે ભારતીયોના ભંડોળો ઘટતા ગયા છે, સિવાય કે અમુક વર્ષોમાં વધ્યા હોય, તે વર્ષોમાં ૨૦૧૧, ૨૦૧૩, ૨૦૧૭, ૨૦૨૦ અને ૨૦૨૧નો સમાવેશ થાય છે. સ્વીસ બેંકોમાં વિદેશોના સૌથી વધુ નાણાની બાબતમાં યુકેનો ક્રમ ટોચ પર આવે છે જેના પછી અમેરિકા બીજા ક્રમે અને ફ્રાન્સ ત્રીજા ક્રમે આવે છે. ભારતનો ક્રમ ૬૭મો આવ્યો છે જે ૨૦૨૨માં ૪૨મા ક્રમે હતું. પાકિસ્તાન અને બાંગ્લાદેશના લોકો દ્વારા સ્વીસ બેંકોમા રખાતા નાણામાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો છે.

પાકિસ્તાનીઓના સ્વીસ બેંકોમાં ભંડોળો ૩૮૮ મિલિયન સ્વીસ ફ્રાન્ક પરથી ઘટીને ૨૮૬ સ્વીસ ફ્રાન્ક થઇ ગયા છે જ્યારે બાંગ્લાદેશના લોકોના આ ભંડોળોમાં તો મોટો ઘટાડો નોંધાયો છે જે પપ મિલિયન સ્વીસ ફ્રાન્ક પરથી ઘટીને ૧૮ મિલિયન સ્વીસ ફ્રાન્ક થઇ ગયા છે. ભારતના આ બંને  પાડોશી દેશોમાં પણ કાળુ નાણું એ એક મોટો મુદ્દો છે. વિશ્વના દેશોના ધનવાનોના સ્વીસ બેન્કોમાં નાણાં ઘટ્યા છે તેમાં સ્વીસ સરકારના વિવિધ દેશોની સરકારો સાથે માહિતીની આપ-લેના કરારનો પણ નોંધપાત્ર ફાળો જણાય છે.

Most Popular

To Top