Vadodara

સ્વચ્છ વડોદરાની વાતો વચ્ચે હરણી સ્થિત તલાટી કચેરી ખાતે ગંદકીનું સામ્રાજય

કચેરીમાં તલાટી જ હાજર જોવા ન મળ્યાં

તલાટી ઓફિસમાં જ સેનેટરી વિભાગની ઓફિસના પાછળના ભાગે શરાબની બોટલો,દેશી દારુની થેલીઓ સહિત ગંદકીનું સામ્રાજય

(પ્રતિનિધિ) વડોદરા તા. 07

સ્વચ્છતા માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ડ્રાફ્ટ બજેટમાં વધારા સાથે જોગવાઈ કરવાની જાહેરાત કરી હતી પરંતુ સ્વચ્છતાના દાવા શહેરમાં પોકળ સાબિત થતાં હોય તેવા દ્રશ્યો શહેરના હરણી સ્થિત તલાટી કચેરી જનસેવા કેન્દ્ર ખાતે જોવા મળી રહ્યાં છે.

એક તરફ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વચ્છતા મિશન ચલાવી રહ્યા છે અને સ્વચ્છતા અભિયાન અંતર્ગત અનેક કાર્યક્રમો પણ યોજવામાં આવી રહ્યા છે પરંતુ અમદાવાદ,સૂરતની તુલનામાં વડોદરા માત્ર વિકાસની દ્રષ્ટિએ જ નહીં પરંતુ સ્વચ્છતાની દ્રષ્ટિએ પણ પાછળ રહી ગયું છે.વર્ષ-2022મા સ્વચ્છતા સર્વેક્ષણમાં વડોદરા 14મા ક્રમાંકે હતું ત્યારબાદ વર્ષ -2023મા સ્વચ્છતા સર્વેક્ષણમાં 33મા ક્રમાંકે આવી ગયું છે તે અગાઉ ત્રણ વર્ષ પહેલા શહેરનો સ્વચ્છતા સર્વેક્ષણમાં 8મો ક્રમાંક હતો પરંતુ શહેરને સ્માર્ટ સિટી બનાવનારા રાજકીય નેતાઓ અને પાલિકાના સ્માર્ટ અધિકારીઓની દીર્ઘ દ્રષ્ટિએ વડોદરાને ક્રમશઃ સ્વચ્છતામાં તેમજ વિકાસમાં પણ અમદાવાદ અને સુરતની તુલનામાં પાછળ લાવીને મૂકી દીધું. પાલિકા પાસે વેરા, અન્ય ટેક્ષ, નગરગૃહો, અતિથિગૃહો, પાલિકાના પ્લોટ, પાર્કિંગ,જાહેરાતો માટેના હોર્ડિગ્સ સહિતની આવક છે તદ્પરાંત રાજ્ય સરકાર દ્વારા પણ ગ્રાન્ટ આપવામાં આવે છે તેમ છતાં યોગ્ય નીતિઓ અને પ્રામાણિક ઇચ્છા શક્તિના અભાવે વડોદરા શહેર સાચા અર્થમાં સ્માર્ટ સિટી બની શક્યું નથી.
વડોદરા મહાનગરપાલિકા પાસે પૂરતો સફાઇસેવકોનો સ્ટાફ છે, પૂરતા સાધનો છે છતાં પણ શહેર સ્વચ્છતામાં અન્ય શહેરોની તુલનામાં 33મા ક્રમાંકે રહ્યું છે. અગાઉ પણ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને જે તે સમયે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે વડોદરાની મુલાકાત દરમિયાન વડોદરાના નેતાઓ અને પાલિકાના અધિકારીઓ ને વડોદરા શહેર અમદાવાદ અને સુરતની તુલનામાં પાછળ કેમ રહી ગયું તેનું મનોમંથન કરવાની ટકોર કરી હતી તે જ રીતે તાજેતરમાં જ વસંતપંચમીના દિવસે શહેરમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય મેરેથોન દોડ પ્રસંગે આવેલા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ જ્યારે વાઘોડિયા ખાતે બરોડા પબ્લિક સ્કૂલના શુભારંભ પ્રસંગે પહોંચ્યા હતા ત્યાં તેમણે પોતાના ભાષણ દરમિયાન કહ્યું કે કે “આજે મને કોઇકે કહ્યું હતું કે તમે આવ્યા છો ત્યારે શહેરમાં સ્વચ્છતા દેખાય છે” જે અંગે મુખ્યમંત્રીએ મંચ પરથી વડોદરાના નેતાઓ અને પાલિકાના અધિકારીઓને ટકોર કરતાં જણાવ્યું હતું કે, “હું આવ્યો ત્યારે જ સ્વચ્છતા કેમ? રોજબરોજ શહેરમાં આવી સ્વચ્છતા શા માટે નથી થતી? આપણે આપણા સ્વભાવમાં સ્વચ્છતા લાવવી પડશે ” તેમ જણાવ્યું હતું પરંતુ શહેરમાં રાજકીય નેતાઓ હોય કે પાલિકાના અધિકારીઓ સૌ શરમ વિનાના જાડી ચામડીના થઈ ગયા હોય તેવું જણાય છે.
શહેરના હરણી વિસ્તારમાં આવેલા શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર પાસે જ હરણી તલાટીની કચેરી અને જનસેવા કેન્દ્ર આવેલું છે જ્યાં પ્રવેશ દ્વાર પાસે જ સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા આવેલી છે આ કચેરીની ફરતે આસપાસ અસહ્ય ગંદકીનું સામ્રાજય જોવા મળી રહ્યું છે.કચેરીની પાછળ અને બંને તરફની સ્લાઇડમાં શરાબની બોટલ,દેશી દારુની થેલીઓ ના ઢગલા જોવા મળે છે.નવાઇની વાત તો એ જોવા મળી કે અહીં શુક્રવારે પણ તલાટી પોતાની ઓફિસમાં ન હતા અને તેમની ઓફિસના દરવાજાને તાળું હતું.બીજી તરફ સેનેટરી વિભાગની પાછળ જ અસહ્ય દુર્ગંધ સાથે ગંદકીનું સામ્રાજય જોવા મળે છે.તલાટીની કચેરીમાં આવતા લોકો માટે બેસવાનો બાકડો તૂટેલો છે પરંતુ ત્યાં પણ ધોળા દિવસે નશો કરીને સૂતેલા નશાખોર તત્વોને કારણે લોકો બાકડનો ઉપયોગ કરી શકતા નથી.બીજી તરફ તલાટી અને જનસેવા કેન્દ્ર ની બાજુમાં જ ચૂનાના પાવડર ની થેલીઓ ફાટેલી અને વેરવિખેર હાલતમાં જોવા મળી રહી છે.પાલિકા તંત્ર દવા છાંટવાના પાઉડરમાં ઉમેરવા માટે આ ચૂનાની થેલીઓની ખરીદી કરે છે.જનતાના ટેક્ષના નાણાંમાંથી આ તમામ વસ્તુઓની ખરીદી કરવામાં આવતી હોય છે પરંતુ તેની યોગ્ય જાળવણી પણ કરવામાં આવતી નથી જેના કારણે અહીં ચૂનાની થેલીઓ મૂકવાનો રૂમ ખુલ્લી હાલતમાં જોવા મળી રહ્યો છે.બીજી તરફ તલાટી કચેરી ખુલ્લી હોવા છતાં અહીં દિવસે નશાખોર લોકો કચેરીની બાજુમાં જ પેશાબ કરી ગંદકી કરતા હોય છે. અહીં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાની અમાન્યા જળવાતી ન હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. અસહ્ય ગંદકી વચ્ચે શુક્રવારે બપોરે માત્ર બે કર્મચારીઓ તલાટી કચેરીના સેનેટરી શાખામાં જોવા મળ્યા હતા.એક તરફ સ્વચ્છતા ની વાતો કરવામાં આવે છે પરંતુ દિવા તળે જ અંધારા જેવો ઘાટ અહીં જોવા મળે છે. ખુદ તલાટીની કચેરી ની આસપાસ જ અસહ્ય ગંદકીની ભરમાર છે પછી આપણે સ્વચ્છતા ક્રમાંકમાં ક્યાંથી આગળ આવી શકીએ?

Most Popular

To Top