ખિસકોલી સર્કલ બ્રિજ પાસે પીવાના પાણીની લાઈનમાં ભંગાણથી ; સ્થાનિકોમાં ભારે રોષ
વડોદરા : શહેરના વોર્ડ નંબર 12માં સમાવિષ્ટ ખિસકોલી સર્કલ વિસ્તારમાં વડોદરા કોર્પોરેશનની ઘોર બેદરકારી સામે આવી છે. ખિસકોલી સર્કલ પાસે આવેલા બ્રિજ નજીકના કોર્નર પર છેલ્લા પાંચ દિવસથી પીવાના પાણીની મુખ્ય લાઈનમાં મોટું ભંગાણ સર્જાયું છે. આ ભંગાણને કારણે દરરોજ હજારો લિટર શુદ્ધ પાણી રસ્તાઓ પર વહી રહ્યું છે, જેના કારણે સ્થાનિકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, આ ચોક્કસ સ્થળે પાણી લીકેજની ઘટના કોઈ નવી નથી. અગાઉ પણ અનેક વખત તંત્ર દ્વારા અહીં રિપેરિંગ કામગીરી કરવામાં આવી છે. પરંતુ પાલિકાના કોન્ટ્રાક્ટર કે એન્જિનિયરો દ્વારા કરવામાં આવતી કામગીરીમાં ‘પોલાણ’ હોવાને કારણે, થોડા જ દિવસોમાં ફરી એ જ જગ્યાએ ભંગાણ પડે છે. લોકોનો આક્ષેપ છે કે માત્ર ઉપરછલ્લું થીગડું મારીને સંતોષ માનવામાં આવે છે, જેના કારણે સમસ્યાનું કાયમી નિરાકરણ આવતું નથી.

આશ્ચર્યની વાત એ છે કે વોર્ડ-12ના જ અનેક વિસ્તારોમાં રહીશો પીવાના પાણીની તીવ્ર અછતનો સામનો કરી રહ્યા છે. ઓછા પ્રેશરથી આવતા પાણીને કારણે ગૃહિણીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે. જ્યારે બીજી તરફ, મુખ્ય લાઈન લીકેજ હોવાને કારણે પાંચ-પાંચ દિવસથી કિંમતી પાણી ગટરોમાં વહી રહ્યું છે. સ્થાનિકોનું કહેવું છે કે ”અમે અનેકવાર રજૂઆત કરી છે, પણ તંત્ર માત્ર કામચલાઉ રિપેરિંગ કરે છે. છેલ્લા પાંચ દિવસથી રસ્તા પર નદીઓ વહે છે, શું આ જ સ્માર્ટ સિટીનું આયોજન છે?”
હાલ તો આ લીકેજને કારણે વાહનચાલકોને પણ રસ્તા પર ભરાયેલા પાણીમાંથી પસાર થવામાં મુશ્કેલી પડી રહી છે. હવે જોવાનું એ રહે છે કે વડોદરા મહાનગરપાલિકા આ મામલે ક્યારે જાગે છે અને જનતાના પરસેવાના પૈસે શુદ્ધ કરાયેલા પાણીનો આ વ્યય ક્યારે અટકાવે છે.
વહીવટી તંત્ર સામે સવાલો
*શું જવાબદાર અધિકારીઓ સ્થળ મુલાકાત લઈને કામગીરીની ગુણવત્તા તપાસશે?
*પાંચ દિવસ સુધી પાણીનો વેડફાટ થયો તે બદલ જવાબદાર કોણ?
*શું આ વખતે કાયમી ઉકેલ લાવવામાં આવશે કે ફરી માત્ર ‘થીગડું’ જ મરાશે?
*શું મ્યુ કમિશનર આવા લાપરવાહ અધિકારીઓ અને કોન્ટ્રાકટર પર એક્શન લેશે ખરા?