બેલગામ વાહનોને અંકુશમાં લેવા સ્માર્ટ રોડ પર હવે સ્પીડ બ્રેકર!
ટ્રાફિક પોલીસ અને તજજ્ઞોના સર્વે બાદ જંકશન, સોસાયટી પ્રવેશ અને શાળા નજીક કાર્યવાહી
દાહોદ, તા. 23
દાહોદ શહેરના વિવિધ સ્માર્ટ રોડ પર બેલગામ વાહનચાલનને અંકુશમાં લેવા નગરપાલિકાએ મહત્વનો નિર્ણય લીધો છે. શહેરમાં નિર્માણ પામેલા 11 જેટલા સ્માર્ટ રોડ પર છેલ્લા ઘણા સમયથી બાઇક, એસટી બસ અને ફોરવીલર વાહનો નક્કી કરેલી ગતિમર્યાદા કરતા વધુ સ્પીડમાં દોડતા હોવાના બનાવો સામે આવ્યા હતા. ખાસ કરીને ગોધરા રોડ પર તાજેતરમાં એક પછી એક બનેલી ઘટનાઓએ તંત્રને ચિંતિત બનાવ્યું હતું.
આ મુદ્દે તાજેતરમાં સાંસદ જશવંતસિંહ ભાભોરની અધ્યક્ષતામાં યોજાયેલી દિશાની બેઠકમાં ચર્ચા બાદ શહેરના માર્ગો પર સર્વે કરીને હેવી ડ્યુટી રબરના સ્પીડ બ્રેકર મૂકવા સંમતિ બની છે. ટૂંક સમયમાં દાહોદ નગરપાલિકા ટેન્ડરિંગ પ્રક્રિયા હાથ ધરશે. સ્માર્ટ સિટીના ઈજનેરો, ટ્રાફિક પોલીસ અને માર્ગ સલામતી તજજ્ઞોની સંયુક્ત ટીમ દ્વારા જંકશન, સર્કલ, મુખ્ય માર્ગોને જોડાતા સોસાયટીના રસ્તા તેમજ શાળા નજીક કુલ 54થી વધુ સ્થળે સ્પીડ બ્રેકર મૂકવામાં આવશે.
આ રબરના સ્પીડ બ્રેકરની ખાસિયત એ છે કે તે 7 વર્ષ સુધી 50થી 55 ટન સુધીના ભારે વાહનોનો ભાર સહન કરી શકે છે અને તેની ડિઝાઇન સ્ટાન્ડર્ડ સાઈઝ મુજબ રહેશે. નગરપાલિકા, સ્માર્ટ સિટી ટીમ અને પોલીસના સંયુક્ત પ્રયાસોથી સ્પીડ બ્રેકર સ્થાપિત થયા બાદ માર્ગ અકસ્માતોમાં ઘટાડો થશે અને શહેરીજનોની જાનમાલની સુરક્ષા મજબૂત બનશે—એવો આશાવાદ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.
રિપોર્ટર: વિનોદ પંચાલ