Dahod

સ્માર્ટ સિટી દાહોદમાં કરોડોના ખર્ચે બનાવેલા ફૂટપાથ રાહદારીઓ માટે કે લારી ગલ્લાઓ માટે ?

આ મામલે સ્થાનિક તંત્રના અકળ મૌન સામે અનેક પ્રશ્નાર્થો

દાહોદ: સ્માર્ટસીટી દાહોદમાં રસ્તાઓના કામો પણ કેટલીક ગલીઓને બાદ કરતા લગભગ પુરા થયા છે. આ સંબંધે રસ્તાઓના કામોમાં કોન્ટ્રાક્ટર દ્વારા નરી વેઠ ઉતારાતા શહેરના મોટાભાગના ડામરના રસ્તા ઉપર ગરમીને કારણે ડામર લિમિટ કરતાં વધુ ઓગળતા રાહદારીથી માંડી વાહન ચાલકોને પણ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. આ રસ્તાઓની બંને બાજુ પેવર બ્લોક નાખી કરોડોના ખર્ચે સમગ્ર શહેરમાં રાહદારીઓની સગવડ સાચવવા ફૂટપાથ બનાવવામાં આવી છે. પરંતુ મોટાભાગની આ ફૂટપાથનો ઉપયોગ ખરેખર કોણ કરે છે? તે પ્રશ્ન હાલ વિચાર માગતો કોયડો બનીને રહી જવા પામ્યો છે.

શહેરની મોટાભાગની ફૂટપાથો બનતાં જ કેટલાક લારી ગલ્લાવાળાઓએ પોતાની બાપોતી મિલકત સમજી અડ્ડો જમાવી દીધો છે. શહેરના મંડાવાવ રોડ પર તો કેટલાક દુકાનદારોએ પોતાની દુકાનો આગળ બનાવેલી ફૂટપાથ પર પોતાની દુકાનનો સામાન ગોઠવી અથવા તો ઉનાળાની સિઝનને ધ્યાને લઈ ઠંડા પીણા કે જ્યુસની હંગામી દુકાનો ઉભી કરી આખે આખી ફૂટપાથ હાઇજેક કર્યાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આવા દ્રશ્યો દાહોદ શહેરના મોટાભાગના વ્યાપારી વિસ્તારોમાં જોવા મળી રહ્યા છે. આમ જોવા જઈએ તો સ્માર્ટ સિટીના નિયમ મુજબ પાર્કિંગની વ્યવસ્થા અનિવાર્ય છે. પરંતુ દાહોદમાં પાર્કિંગની વ્યવસ્થાની અનિવાર્યતા મોટા ભાગના પાલિકા દ્વારા બનાવાયેલા શોપિંગ સેન્ટરોમા તેમજ ખાનગી વ્યવસાયિક સંસ્થાનોમાં જાળવવામાં આવી નથી. જેના કારણે વાહનોના આડેધડ પાર્કિંગને લઈને ટ્રાફિક સમસ્યા છાશવારે સર્જાતી જોવા મળી રહી છે. કરોડોના ખર્ચે બનેલ ફૂટપાથો પરના આ ગેરકાયદેસર દબાણોથી પાલિકાના સંલગ્ન શાખાના અધિકારી/કર્મચારીઓ વાકેફ નહીં હોય તે માનવામાં આવતું નથી. કારણ કે તે અધિકારી/ કર્મચારીઓ જરૂર તે માર્ગો પરથી છાસવારે પસાર થતા જ હશે. એમ છતાં લારી ગલ્લાવાળાઓએ ગેરકાયદેસર રીતે હાઇજેક કરેલ ફૂટપાથોને મામલે તેઓએ સેવેલું અકળ મૌન ઘણું બધું કહી જાય છે. અને તેઓની કાર્યશૈલી સામે અનેક પ્રશ્નાર્થ ખડા કરે છે. સ્માર્ટ સીટી દાહોદમાં કરોડોના ખર્ચે બનાવેલ ફૂટપાથ કોના માટે? લારી ગલ્લાઓ માટે કે પછી રાહદારીઓ માટે? તેવા અનેક પ્રશ્નો નગરના જન માનસમાં ઉદભવી રહ્યા છે.

Most Popular

To Top