એક તરફ શહેરના પશ્ચિમ વિસ્તારમાં ગંભીર બેદરકારી, બીજી તરફ પીવાના પાણી માટે કકળાટ; સ્થાનિકો અને વાહનચાલકો હાલાકીમાં
વડોદરા : મહાનગરપાલિકા દ્વારા શહેરને ‘સ્માર્ટ સિટી’ બનાવવાની વાતો વચ્ચે, શહેરના સંવેદનશીલ ગણાતા પશ્ચિમ વિસ્તારમાં પીવાના પાણીનો અવિરત વ્યય થતો હોવાની ગંભીર બેદરકારી સામે આવી છે. શહેરના ખિસકોલી સર્કલ નજીક છેલ્લા કેટલાક દિવસોથી પાણીની મુખ્ય લાઇનમાં ભંગાણ કે ખામી સર્જાવાને કારણે હજારો લિટર શુદ્ધ પીવાનું પાણી રસ્તાઓ પર વહી રહ્યું છે, જેના કારણે સ્થાનિકોમાં પાલિકા તંત્ર સામે ભારે રોષ અને આક્રોશ વ્યાપી ગયો છે.

એક તરફ, શહેરના અનેક વિસ્તારોમાં નાગરિકો નિયમિત પાણી પુરવઠાની અછતને કારણે કકળાટ કરી રહ્યા છે અને પાલિકા પાણીની કરકસર કરવા માટે લોકોને અપીલ કરી રહી છે, ત્યારે ખિસકોલી સર્કલ પાસે કિંમતી પીવાનું પાણી વેડફાઈ રહ્યું છે. આ દ્રશ્યો વડોદરા મહાનગરપાલિકાના જળ વ્યવસ્થાપન પ્રત્યેની ગંભીર બેદરકારી અને ઉદાસીનતા છતી કરે છે.

પાણીના અવિરત વહેણને કારણે માત્ર પાણીનો વ્યય જ નથી થઈ રહ્યો, પરંતુ તેનાથી સ્થાનિકો અને આ માર્ગ પરથી પસાર થતા વાહન ચાલક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. લાંબા સમયથી પાણી વહેતું રહેવાથી રસ્તા પર કાદવ-કીચડનું સામ્રાજ્ય છવાઈ ગયું છે. આ કાદવના કારણે દ્વિચક્રીય વાહનોના સ્લીપ થવાના અને અકસ્માત થવાના બનાવોનું જોખમ વધી ગયું છે. આ ઉપરાંત, વહી જતું પાણી નીચાણવાળા વિસ્તારોમાં ભરાઈ રહેતા મચ્છરજન્ય રોગો ફેલાવવાની દહેશત પણ સ્થાનિકો વ્યક્ત કરી રહ્યા છે.

સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા અનુસાર, પાલિકા તંત્રને આ બાબતની જાણકારી હોવા છતાં, સમયસર કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. તેમનો આક્રોશ છે કે, “જ્યારે અમને પીવાનું પૂરતું પાણી નથી મળતું, ત્યારે અહીં રોજનું હજારો લિટર પાણી રસ્તા પર બરબાદ થઈ રહ્યું છે. આને કેવી રીતે સ્માર્ટ સિટી કહેવાય? પાલિકા તંત્ર નિંદ્રાધીન છે અને જનતા હાલાકી ભોગવી રહી છે.”
આ ગંભીર બેદરકારીને પગલે હવે સ્થાનિકો અને જાગૃત નાગરિકો દ્વારા એવો સવાલ ઉઠાવવામાં આવી રહ્યો છે કે આટલા મોટા પ્રમાણમાં પીવાનું પાણી બરબાદ થવા દેવા બદલ જવાબદાર સામે કાર્યવાહી ક્યારે થશે? અને ખિસકોલી સર્કલ ખાતે પાણીની લાઇનમાં સમારકામનું કામ ક્યારે થશે એ પ્રશ્ન તાકીદે ઉકેલાય તે જરૂરી છે. વડોદરા મહાનગરપાલિકાએ તાત્કાલિક ધોરણે આ સમસ્યાનું નિરાકરણ લાવવું જોઈએ અને પાણીના વ્યયને અટકાવવા કડક પગલાં લેવા જોઈએ તેવી પ્રબળ માગણી ઉઠી છે.