Vadodara

સ્માર્ટ સિટીમાં જયરત્ન બિલ્ડીંગ પાસે BJP સિમ્બોલ વાડી કાર ભ્રષ્ટાચારના ખાડામાં ખાબકી

કોર્પોરેશનની બેદરકારી સામે કાઉન્સિલરની તીવ્ર નારાજગી, વિસ્તારમાં અફરાતફરીનો માહોલ

શાળાઓ-હોસ્પિટલ નજીક મોટી દુર્ઘટના ટળી, નાગરિકોમાં અસંતોષ વધ્યો

વડોદરા શહેરના વોર્ડ નંબર 14માં આવેલ જયરત્ન બિલ્ડીંગ ચારરસ્તા પાસે કોર્પોરેશન દ્વારા વરસાદી ગટરલાઈન નાખવાના કામ માટે ખોદવામાં આવેલ ખાડામાં ભાજપ પક્ષનું ચિન્હ ધરાવતી કાર ફસાઈ જવાની ઘટના સામે આવી છે. સદ્નસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.

પ્રાપ્ત વિગતો મુજબ પોલોગ્રાઉન્ડ તરફ જવાના માર્ગ ઉપર કોર્પોરેશન દ્વારા વરસાદી ગટર લાઈન નાખવાની કામગીરી ચાલી રહી હતી. દરમ્યાન આજે બપોરે જયરત્ન બિલ્ડીંગ ચાર રસ્તા પાસે ખાડામાં અચાનક કાર ઉતરી જતા કાર ફસાઈ ગઈ હતી. સ્થળ પર ફરજ બજાવતા ટ્રાફિક બ્રિગેડે જણાવ્યું હતું કે, આગળનો માર્ગ બંધ હોવાનું જણાવી કારચાલકને સમયસર રોકવાનો પ્રયાસ કર્યો હતો, જોકે કારચાલકે વાત અવગણી આગળ વધતા અકસ્માત સર્જાયો હતો.
આ ઘટનાને પગલે કૉંગ્રેસ કાઉન્સિલર બાલુસુર્વેએ કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓ સામે સવાલો ઉઠાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, આ કામનું મંજૂરી પત્ર છ મહિના અગાઉ આપવામાં આવ્યું હોવા છતાં કોર્પોરેશન ચોમાસું પૂરુ થઈ જાય પછી ગટરલાઈન નાખવાનું કામ શરૂ કરે છે, જે બેદરકારી બતાવે છે. કાઉન્સિલરે વધુમાં કહ્યું હતું કે, જો રાત્રિ સમયે ખાડામાં વરસાદી પાણી ભરાય તો મોટી અનિચ્છનીય દુર્ઘટના સર્જાઈ શકે છે. કોન્ટ્રાક્ટરે આ કામમાં સુરક્ષાના ઉપાયો, જેમ કે ખાડા પર આડાશ કે ચેતવનારી વ્યવસ્થા ન મૂકી બેદરકારી દાખવી છે.
કાર ખાડામાં ફસાઈ જવાથી મુખ્ય માર્ગ પર એક સમયે ભારે અફરાતફરી સર્જાઈ હતી. ખાસ કરીને આ વિસ્તારની નજીક શાળા, મંદિરો અને હોસ્પિટલ આવેલ હોવાથી નાગરિકોમાં ભયનું વાતાવરણ બન્યું હતું. મોટી દુર્ઘટના બનતી અટકતા સૌએ રાહત અનુભવ્યો હતો.
આ બનાવને પગલે શહેરમાં ફરી એકવાર પાલિકાની કામગીરીની ગુણવત્તા અને સુરક્ષાને લઈને પ્રશ્નો ઊભા થયા છે. નાગરિકો તથા કાઉન્સિલરોએ માંગણી કરી છે કે પાલિકા કમિશ્નર આ અંગે ગંભીરતા દાખવી સંબંધિત વિભાગ અને તેના અધિકારીઓ સામે કડક પગલા લે તેવી માંગ કરવામાં આવી હતી.

Most Popular

To Top