Vadodara

સ્માર્ટ સિટીની પોલ ખૂલી, ઉનાળાના આરંભે જ વોર્ડ નં. 11માં પીવાના શુદ્ધ પાણીની રેલમછેલ

ખોડિયાર ડેરી પાસે પાલિકાની ઘોર બેદરકારી, હજારો લીટર અમૃત સમાન જળ રસ્તા પર વહી ગયું

એક તરફ ગરમીની શરૂઆતમાં પ્રજા પાણી માટે વલખાં મારે છે, બીજી તરફ તંત્રના પાપે પાણીનો વેડફાટ

(પ્રતિનિધિ), વડોદરા. તા.8

સ્માર્ટ સિટી વડોદરામાં વહીવટી તંત્રની બેદરકારીનો વધુ એક ઉત્તમ નમૂનો વોર્ડ નંબર 11 માં જોવા મળ્યો છે. ખોડિયાર ડેરી વિસ્તારમાં પીવાના પાણીની લાઈનમાં લીકેજ સર્જાતા હજારો લીટર શુદ્ધ પીવાનું પાણી રસ્તા પર વહી જતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

હાલમાં શિયાળો વિદાય લઈ રહ્યો છે અને શહેરમાં ગરમીનો પારો ધીમે ધીમે ઊંચકાઈ રહ્યો છે. ઉનાળાની શરૂઆતમાં જ શહેરના અનેક વિસ્તારોમાં ઓછા પ્રેશરથી પાણી મળવાની ફરિયાદો ઉઠી રહી છે અને લોકો પીવાના પાણી માટે વલખાં મારી રહ્યા છે. તેવા સમયે વોર્ડ નં. 11 માં પાલિકાના અધિકારીઓની નિષ્કાળજી અને સમયસર મેન્ટેનન્સના અભાવે ચોખ્ખું પાણી ગટરમાં વહી રહ્યું છે.

સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ લીકેજને કારણે રસ્તા પર પાણીની નદીઓ વહેતી થઈ ગઈ હતી. જળ એ જ જીવન ના સૂત્રો તો માત્ર દિવાલો પર જ સારા લાગે છે, પરંતુ વાસ્તવિકતામાં પાલિકા તંત્ર પાણી બચાવવા પ્રત્યે ગંભીર નથી તેવું આ દ્રશ્યો પરથી સ્પષ્ટ થાય છે. સ્માર્ટ સિટીના દાવાઓ વચ્ચે પાયાની સુવિધાઓમાં જાળવણીનો અભાવ પ્રજા માટે મુસીબત બની રહ્યો છે.

જાગૃત નાગરિકોની માંગ છે કે પાલિકાનું તંત્ર તાત્કાલિક ધોરણે આ લીકેજ રિપેરીંગ કરે અને જવાબદાર અધિકારીઓ સામે પગલાં લે, જેથી ભવિષ્યમાં આવી રીતે પાણીનો બગાડ અટકાવી શકાય.

Most Popular

To Top