વિકાસના નામે મીંડું જેવો ઘાટ! ચિલ્ડ્રન પ્લે એરિયાના ખસ્તા સાધનો બાળકો માટે જોખમ, રજૂઆતો છતાં તંત્ર આંખ આડા કાન
(પ્રતિનિધિ) વડોદરા, તા. 8
સ્માર્ટ સિટી વડોદરામાં વિકાસની મોટી મોટી વાતો વચ્ચે સમા વિસ્તારમાં આવેલા પાલિકા હસ્તકના વીર સાવરકર ગાર્ડનમાં તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. વિકાસના નામે કરોડો રૂપિયાનો ખર્ચ થતો હોવાના દાવાઓ વચ્ચે અહીંની હાલત “દીવા તળે અંધારું” સમાન જોવા મળી રહી છે.

વીર સાવરકર ગાર્ડનના ચિલ્ડ્રન પ્લે એરિયામાં રમતગમતના સાધનો લાંબા સમયથી જર્જરિત હાલતમાં છે. કેટલાક સાધનો લોખંડના હોવાથી તેમાં ઝાંઝરી લાગેલી છે, જેના કારણે બાળકોને ગંભીર ઇજા પહોંચવાની ભીતિ ઉભી થઈ છે. રોજિંદા સૈંકડો બાળકો આ પ્લે એરિયામાં રમવા આવતા હોવાથી કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદારી કોણ લેશે તેવો સવાલ નાગરિકોમાં ઉઠી રહ્યો છે.

ગાર્ડનમાં બેસવા માટે મૂકવામાં આવેલા બાકડા પણ તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યા છે. સાથે સાથે ઈ-ટોયલેટમાં પણ સ્વચ્છતાનો ભારે અભાવ જોવા મળ્યો છે. આ ગાર્ડનમાં દરરોજ 200થી વધુ સિનિયર સિટીઝનો તેમજ બાળકો અવરજવર કરતા હોવા છતાં મેન્ટેનન્સ બાબતે પાલિકાનું વલણ નિરસ દેખાઈ રહ્યું છે.

સ્થાનિક નાગરિકો અને સિનિયર સિટીઝનો દ્વારા વિસ્તારના કોર્પોરેટર તેમજ ઓનલાઈન પાલિકામાં અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં આજદિન સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. જેના કારણે પાલિકાના વિકાસ દાવાઓ પર પ્રશ્નાર્થ ઉભા થયા છે.

સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ કરોડો રૂપિયાનો ખર્ચ થતો હોવા છતાં આવા બેઝિક મુદ્દાઓ તરફ ધ્યાન ન આપવું એ તંત્રની કાર્યશૈલી પર મોટો પ્રશ્નચિહ્ન છે. વિકાસ નાગરિકો માટે છે કે ફક્ત કાગળ પર અને કોન્ટ્રાક્ટરો માટે – એ ચર્ચા હવે શહેરમાં જોર પકડી રહી છે.

આ પરિસ્થિતિને ધ્યાને લઈ વિસ્તારના નાગરિકોએ વધુ એક વખત માંગણી કરી છે કે, વીર સાવરકર ગાર્ડનમાં વહેલી તકે મરામત અને મેન્ટેનન્સની કામગીરી હાથ ધરવામાં આવે, જેથી બાળકો અને વડીલોની સુરક્ષા સુનિશ્ચિત થઈ શકે.