એસી કેબિન છોડી સાઈટ વિઝિટ ન કરતા ઈજનેરોને કારણે કોન્ટ્રાક્ટરો બેફામ બન્યા, કામમાં ગુણવત્તાના નામે ‘મીંડું’
વડોદરામાં પ્રજાના ટેક્સના નાણાં ડ્રેનેજમાં હોમાયા, સયાજીગંજ અને નટુભાઈ સર્કલ પાસે પડેલા ભૂવાએ ખોલી તંત્રની પોલ

(પ્રતિનિધિ), વડોદરા. તા.27
વડોદરા હવે ભૂવા નગરી તરીકે ઓળખાવા લાગી છે. સ્માર્ટ સિટીના મોટા-મોટા દાવાઓ વચ્ચે શહેરના મુખ્ય માર્ગો પર પડતા ભૂવાઓ પાલિકાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો વચ્ચેની મિલીભગત સ્પષ્ટ પણે જોઈ શકાય છે. આજે શહેરના અત્યંત વ્યસ્ત એવા સયાજીગંજ અને નટુભાઈ સર્કલથી ચકલી સર્કલ તરફ જવાના માર્ગ પર વરસાદી ડ્રેનેજ પાસે પડેલા મસમોટા ભૂવાએ રાહદારીઓ અને વાહનચાલકોના જીવ જોખમમાં મૂક્યા છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે વિવિધ વિકાસલક્ષી કામોના કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. નિયમ મુજબ, આ કામગીરી પર પાલિકાના જવાબદાર અધિકારીઓ અને એન્જિનિયરોએ સતત દેખરેખ રાખવાની હોય છે. પરંતુ, વાસ્તવિકતા કંઈક અલગ જ છે. એસી ઓફિસોમાં બેસતા એન્જિનિયરો સાઈટ પર તપાસ કરવા તસ્દી લેતા નથી. કોન્ટ્રાક્ટરો વધુ નફો કમાવવાની લાલચે હલકી કક્ષાનું મટીરીયલ વાપરીને ‘વેઠ’ ઉતારે છે. ડ્રેનેજ લાઈન નાખ્યા બાદ યોગ્ય રીતે પુરાણ ન કરવાને કારણે ટૂંકા ગાળામાં જ રસ્તાઓ બેસી જાય છે. સયાજીગંજ દર્શનમ્ એવન્યુ અને નટુભાઈ સર્કલથી ચકલી સર્કલ તરફ જતો માર્ગ શહેરનો ધમધમતો વિસ્તાર છે. અહીં વરસાદી ડ્રેનેજ લાઈન પાસે પડેલો ભૂવો સાબિત કરે છે કે કામગીરીમાં ટેકનિકલ માપદંડોનું સરેઆમ ઉલ્લંઘન થયું છે. સ્થાનિક રહીશોમાં રોષ છે કે, જો આ ભૂવામાં કોઈ વાહનચાલક પડે અને જીવ ગુમાવે, તો તેનો જવાબદાર કોણ ? શું પાલિકા કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહી છે ? પાલિકાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની આ ગઠબંધનવાળી કાર્યશૈલીએ વડોદરાને પાયમાલ કરી દીધું છે. પ્રજાના પરસેવાની કમાણીના ટેક્સના નાણાં માત્ર કાગળ પરના વિકાસમાં વપરાય છે, જમીન પર તો માત્ર ખાડા અને ભૂવા જ દેખાય છે. વડોદરાની જનતા હવે તંત્ર પાસે માત્ર થીંગડાં નહીં, પણ કાયમી અને ગુણવત્તાયુક્ત કામગીરીની માંગ કરી રહી છે. જો આગામી દિવસોમાં આ મામલે કડક કાર્યવાહી નહીં થાય, તો જનતાનો આક્રોશ વધુ ઉગ્ર બનશે તે નક્કી છે.