



( પ્રતિનિધિ )વડોદરા,તા.5
વડોદરા સંસ્કારી નગરીના પશ્ચિમ વિસ્તારમાં હાલ જનતા વિકાસના નામે હાલાકી ભોગવી રહી છે. ગોત્રી હોસ્પિટલ રોડ પર તંત્રની આયોજન વગરની કામગીરી અને ટ્રાફિક વ્યવસ્થાના અભાવે સામાન્ય નાગરિકોની હાલત કફોડી બની ગઈ છે. ખાસ કરીને દર્દીઓને લઈને જતી એમ્બ્યુલન્સને પણ મુશ્કેલી વેઠવાની નોબત આવી છે.
વડોદરાના પશ્ચિમ વિસ્તારમાં ગોત્રી ખાતે એક તરફ ખોદકામ અને અધૂરી કામગીરી ચાલી રહી છે, તો બીજી તરફ વૈકલ્પિક રસ્તાઓના અભાવે વાહનોના પૈડાં કલાકો સુધી થંભી રહ્યા છે. હોસ્પિટલ બહાર જ અરાજકતાનું સામ્રાજ્ય સર્જાયું છે. ગોત્રી વિસ્તારની સૌથી મોટી સરકારી હોસ્પિટલ જીએમઈઆરએસ આવેલી છે. જ્યાં હજારો દર્દીઓ સારવાર માટે આવે છે, તેની બરાબર બહાર જ તંત્રે કફોડી સ્થિતિ સર્જી છે. રસ્તાઓ પર કોઈ પણ જાતનું સાઈન-બોર્ડ કે ડાયવર્ઝન પ્લાન વગર કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જેથી વાહનચાલકો મજબૂરીમાં જ્યાં જગ્યા મળે ત્યાંથી વાહન કાઢવા મથામણ કરી રહ્યા છે, જેના કારણે અવારનવાર નાના અકસ્માતો અને બોલાચાલીના દ્રશ્યો સર્જાય છે. સૌથી ગંભીર અને હૃદયદ્રાવક સ્થિતિ એમ્બ્યુલન્સની છે. આ વિસ્તારમાં દર કલાકે અનેક 108 એમ્બ્યુલન્સ ગંભીર દર્દીઓને લઈને પણ પસાર થાય છે. ત્યારે, 108 એમ્બ્યુલન્સની સાથે સાથે અનેક વાહનચાલકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે તેમજ તેમના ગંતવ્ય સ્થાને પણ મોડા પહોંચી રહ્યા છે.