Vadodara

સ્માર્ટ સિટીના દાવાઓ વચ્ચે વોર્ડ નં. 14 ગંદકીમાં ગરકાવ, પૂર્વ ડેપ્યુટી મેયરના ઘર પાસે જ ગટરના ઉભરા

​તંત્રની ઘોર બેદરકારી, દાંડિયા બજાર વિસ્તારમાં ગટર લાઈન લીકેજથી સ્થાનિકોમાં રોગચાળાનો ભય, અનેક રજૂઆતો છતાં તંત્ર નિંદ્રામાં

(પ્રતિનિધિ), વડોદરા. તા.28

વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરને ‘સ્માર્ટ સિટી’ બનાવવા પાછળ કરોડો રૂપિયાનો ધુમાડો કરવામાં આવી રહ્યો છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ ચિત્ર રજૂ કરે છે. શહેરના હાર્દ સમાન દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર 14માં છેલ્લા ઘણા સમયથી ગટર ઉભરાવાની સમસ્યાએ માઝા મૂકી છે. આશ્ચર્યની વાત તો એ છે કે, પૂર્વ ડેપ્યુટી મેયર નંદાબેન જોષીના નિવાસસ્થાનથી માત્ર 100 મીટરના અંતરે જ ગંદકીનું સામ્રાજ્ય હોવા છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી.
દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ જોષી વકીલના ખાંચા પાસે ગટરની મુખ્ય લાઈનમાં લાંબા સમયથી લીકેજ જોવા મળી રહ્યું છે. રસ્તાઓ પર સતત વહેતા ગટરના ગંદા પાણીને કારણે સ્થાનિક રહીશો અને રાહદારીઓનું જીવવું દુષ્કર બન્યું છે. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે, “અમે નિયમિતપણે મ્યુનિસિપલ ટેક્સ ભરીએ છીએ, છતાં અમને પીવાનું ચોખ્ખું પાણી કે ગટર જેવી પ્રાથમિક સુવિધાઓ પણ મળતી નથી. શું સ્માર્ટ સિટીનો અર્થ માત્ર કાગળ પરની વાતો જ છે ?”
ગટરના ગંદા પાણી અને અસહ્ય દુર્ગંધને કારણે આ વિસ્તારમાં મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, ગંદકીના કારણે અનેક લોકો બીમારીની લપેટમાં આવી રહ્યા છે. નાના બાળકો અને વૃદ્ધોમાં તાવ અને પેટની બીમારીના કેસો વધી રહ્યા છે. વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ જાણે આ સમસ્યા પ્રત્યે આંખ આડા કાન કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.
આ સમસ્યા જ્યાં સર્જાઈ છે તે પૂર્વ ડેપ્યુટી મેયર નંદાબેન જોષીના ઘરની તદ્દન નજીકનો વિસ્તાર છે. જ્યારે શાસક પક્ષના પૂર્વ હોદ્દેદારના ઘર પાસે જ આવી સ્થિતિ હોય, ત્યારે સામાન્ય વિસ્તારોની હાલત કેવી હશે તે કલ્પના કરવી પણ મુશ્કેલ છે. મેયર અને કમિશનર એક તરફ વિકાસના બણગા ફૂંકે છે, ત્યારે બીજી તરફ શહેરના મધ્યમાં વહેતી આ ગંદકી તંત્રની પોલ ખોલી રહી છે.

Most Popular

To Top