શૌચાલય તોડી નાખ્યું પણ બનાવવાનું ભૂલી ગયા? ઘી કાંટા રોડ પર ખંડેર હાલતમાં શૌચાલયનો ઉપયોગ કરવા નાગરિકો મજબૂર
વડોદરા: શહેરના હાર્દ સમાન રાવપુરા વિસ્તારમાં આવેલ ઘી કાંટા રોડ પર જાહેર શૌચાલયની અત્યંત ખરાબ હાલતને કારણે સ્થાનિકો અને રાહદારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્માર્ટ સિટીના દાવાઓ વચ્ચે આ શૌચાલય તંત્રની બેદરકારીનો જીવંત નમૂનો બની ગયું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ઘી કાંટા રોડ પર આવેલું આ જાહેર શૌચાલય લાંબા સમયથી જર્જરિત હાલતમાં છે. આશ્ચર્યની વાત એ છે કે શૌચાલય એટલું ભંગાર હાલતમાં છે કે તેને જોતા તે શૌચાલય છે કે કેમ તે ઓળખવું પણ મુશ્કેલ છે. તેમ છતાં, વિસ્તારમાં અન્ય કોઈ સુવિધા ન હોવાથી અહીંથી પસાર થતા લોકો અને શ્રમિકો આ જોખમી શૌચાલયનો ઉપયોગ કરવા મજબૂર બન્યા છે.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, વડોદરા કોર્પોરેશન દ્વારા જૂના શૌચાલયને તોડી પાડવામાં આવ્યું હતું, પરંતુ નવું શૌચાલય બનાવવાની કામગીરી અધવચ્ચે જ લટકાવી દેવામાં આવી છે. હાલમાં શૌચાલયમાં ટાઈલ્સ લગાવવાનું કામ પણ અધૂરું છોડી દેવાયું છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ગંદકી અને દુર્ગંધનું સામ્રાજ્ય ફેલાયું છે.
એક તરફ જ્યારે સ્વચ્છતાના મોટા-મોટા અભિયાનો ચલાવવામાં આવે છે, ત્યારે શહેરના મુખ્ય માર્ગ પર આવેલી આ ખંડેર જેવી હાલત પાલિકાની કામગીરી સામે અનેક સવાલો ઉભા કરે છે. સ્થાનિકોની માંગ છે કે આ શૌચાલયનું કામ વહેલી તકે પૂર્ણ કરવામાં આવે અને લોકોને સુવિધા પૂરી પાડવામાં આવે.