Vadodara

સ્માર્ટ વીજ મીટરે લોકોને ઉજાગરા કરાવ્યા,બીલ ભર્યું છતાં કલાકો સુધી લાઈટ ન આવી


મકરપુરાના પેરેડાઈઝ પાલમ્સમાં ત્રણ કલાક સુધી વીજ પુરવઠો ઠપ્પ રહેતા લોકોને હાલાકી :

નવા સ્માર્ટ મીટર કાઢી જૂના મીટર લગાવવા સ્થાનિકોની માંગણી :

( પ્રતિનિધિ )વડોદરા,તા.5

સ્માર્ટ સિટી વડોદરા શહેરમાં ફરી એક વખત સ્માર્ટ વીજ મીટરનું ભૂત ફરી ધૂણ્યું હતું. મકરપુરા એરફોર્સ સ્ટેશન પાછળ પેરેડાઇઝ પાલમ્સ એપાર્ટમેન્ટમાં વીજ બિલ બાકી હોવાથી મધરાત્રીએ વીજળી ગુલ થતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. સ્થાનિક રહીશો દ્વારા તાત્કાલિક ઓનલાઈન પેમેન્ટ કરી દીધું હોવા છતાં કલાકો સુધી લાઈટ નહીં આવતા સ્માર્ટ વીજ મીટરને લઈ સ્થાનિક રહીશોએ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.

વડોદરા શહેરમાં સ્માર્ટ વીજ મીટર શરૂઆતથી જ વિવાદમાં જોવા મળ્યા છે. સ્માર્ટ વીજ મીટરના કારણે લોકો દ્વારા અનેક વખત વીજ કચેરીઓમાં મોરચાઓ માંડી ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. જે સિલસિલો આજે પણ યથાવત જોવા મળી રહ્યો છે શહેરના મકરપુરા એરફોર્સ સ્ટેશન પાછળ પેરેડાઇઝ પાલમના બી ટાવરમાં વીજબીલ બાકી રહેતા મધરાત્રીએ વીજ પુરવઠો ઠપ્પ થયો હતો. જોકે સ્થાનિક રહીશોએ તાત્કાલિક ઓનલાઇન પેમેન્ટ કરીને વીજબિલ ભરી દીધું હોવા છતાં પણ કલાકો સુધી લાઈટ નહીં આવી હોવાના આક્ષેપ સાથે સ્થાનિક લોકોએ તંત્ર સામે બળાપો કાઢ્યો હતો.

બી ટાવરમાં રહેતા દુષ્યંત ગોસાઈએ જણાવ્યું હતું કે સ્માર્ટ વીજ મીટરના કારણે રાત્રિના ત્રણ વાગ્યાથી બી ટાવરના 84 ઘર છે. તેના રહીશો હેરાન પરેશાન થઈ ગયા છે. અમારી એક જ માંગ છે કે સૌથી પહેલા જેટલા પણ સરકારી અધિકારીઓ છે તેમના ઘરે સ્માર્ટ મીટર લગાવો પછી અમારે ત્યાં લગાવો. અમારે સ્માર્ટ મીટર જોઈતા નથી. ત્રણ વાગ્યાની લાઈટો જતી રહી હતી. જીઇબીમાં ફોન કર્યો ત્યાંથી કહેવા લાગ્યા કે ટૂંક જ સમયમાં કર્મચારીઓ આવી જશે, પણ એના કલાક દોઢ કલાક જીઇબી વાળા આવ્યા અને જોઈને પાછા જતા રહ્યા તો પાછો અમે ફોન કર્યો હતો. પાછા આવ્યા હતા અને ત્યાંથી આવે છેલ્લે કહેવામાં આવે છે કે, તમારા સ્માર્ટ મીટર છે એટલે ત્યાંથી ઓનલાઇન બંધ થઈ ગયું છે. મીટર બંધ થઈ જતા પહેલા નોટિફિકેશન આવવું જોઈએ એવી કોઈ અમને નોટિફિકેશન મળ્યું નથી. પૈસા પણ અમે ભરી દીધા. બે કલાક ઉપરાંતનો સમય થઈ ગયો હતો પણ લાઈટ આવી ન હતી.

વૈશાલી બેને જણાવ્યું હતું કે લાઈટો જતી રહેતા અમે અમારા ઈલેક્ટ્રિશિયન ને બોલાવ્યો હતો. તો તેણે કહ્યું કે આ અમારું કામ નથી. જીઈબીવાળાનું કામ છે. જીઈબીમાં સંપર્ક કર્યો ત્યારે કીધું કે અમારા ત્યાંથી આવશે અને જોશે, તેઓ પણ આવ્યા અને જોઈને ચાલ્યા ગયા. પછી પાછો અમે ફોન કર્યો તો તેમણે જણાવ્યું કે, તમારું બિલ ભરાયું નથી. એટલે વીજ પુરવઠો બંધ થઈ ગયો છે, પણ વીજબેલ નથી ભરાયું એની અમને કોઈ જાણકારી નથી. આજે આપણે સ્માર્ટ ફોન નો ઉપયોગ કરીએ છીએ તો એમાં રિચાર્જ પતી જાય છે. તો બે ત્રણ દિવસ પહેલા મેસેજ થકી જાણ કરવામાં આવે છે, તે રિચાર્જ પૂરું થાય છે પણ તેમાં આપણે રિચાર્જ કરાવીએ તો તૈયારીમાં થઈ જાય છે પણ અહીંયા તો બીજ બીલ ભર્યા પછી પણ ત્રણ કલાકથી અમે હેરાન પરેશાન થઈ રહ્યા છે. અમારી 14 માળની બિલ્ડીંગ છે. નાના બાળકો વડીલો છે તેમને કેટલી હેરાન ગતિ થઈ રહી છે. અમારા ઘરેથી સ્માર્ટ મીટર કાઢો અને સરકારી કર્મચારીઓ અધિકારીઓ હોય તેમના ઘરે પહેલા લગાવો. આ સ્માર્ટ વીજ મીટરથી મધ્યમ વર્ગના લોકો ખૂબ જ હેરાન પરેશાન થઈ રહ્યા છે. અમને આ સ્માર્ટ મીટર જોઈતા નથી અમને અમારા સાદા મીટરો પાછા આપો.

Most Popular

To Top