વધુ બીલ આવતા ગોરવાની સાતથી વધુ સોસાયટીના રહીશો રોષે ભરાયા
નવા સ્માર્ટ મીટરો કાઢી જુના મીટરો ફરીથી લગાવી આપવા માંગ

( પ્રતિનિધિ )વડોદરા,તા.10
વડોદરા શહેરમાં ફરી એકવાર સ્માર્ટ વીજ મીટરનો વિરોધ કરવામાં આવ્યો છે. ગોરવા હાઉસિંગ બોર્ડની સાતથી વધુ સોસાયટીના રહીશોએ એકત્ર થઈ વપરાશ કરતા વધુ બિલ આવી રહ્યું હોવાના આક્ષેપ સાથે વીજ બિલ ફાડીને વિરોધ દર્શાવ્યો હતો. તેમજ નવા સ્માર્ટ વીજ મીટર કાઢી જુના મીટર લગાવી આપવા માંગણી કરી હતી.

વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તાર ગોરવામાં હાઉસિંગ બોર્ડની સોસાયટીઓમાં લગાવાયેલા નવા સ્માર્ટ વીજ મીટરનો વિરોધ કરવામાં આવ્યો હતો. અનમોલ નગર, પ્રગતિનગર, શાસ્ત્રીકુંજ, શ્રી હરીનગર, રણછોડરાય નગર, કૈલાશધામ, લક્ષ્મીકુંજ સહિતની સાતથી વધુ સોસાયટીના રહીશોએ એકત્ર થઈ વીજબિલોને ફાડીને ઉગ્ર સુત્રોચાર સાથે દેખાવો કર્યા હતા. સ્થાનિક લોકોએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, ગરીબ અને મધ્યમ વર્ગના લોકો મોંઘવારીના મારથી પીસાઈ રહ્યા છે અને સ્માર્ટ મીટરમાં વધુ પડતું માસિક બિલ આવે છે. જે કરેલા વપરાશ કરતા અને ઘણું વધારે આવી રહ્યું છે. જે રીતે પહેલા મહિનાનું બિલ 500, 600, 700 થી માંડીને 1500 રૂ.સુધીનું આવતું હતું એની જગ્યા પર આજે સાતથી આઠ હજાર રૂપિયા જેટલું વીજ બીલ આવી રહ્યું છે. એટલે એક તરફ મોંઘવારીનો માર અને બીજી બાજુ સ્માર્ટ મીટરનો માર લોકો જાય ક્યાં. માટે આજે સ્થાનિક લોકો એકત્ર થયા હતા અને વિરોધ કર્યો હતો. જો આગામી દિવસમાં સ્માર્ટ મીટર કાઢવામાં નહીં આવે આવે તેવી માગણી કરી હતી સાથે સાથે જ્યારે ડિજિટલ મીટરની વેલિડિટી 20-20 વર્ષની છે. જે અવેલેબલ હતી. તો શાની માટે તમારે સ્માર્ટ વીજ મીટર નાખવાની જરૂર પડી. આ સોસાયટીઓમાં ગરીબ અને મધ્યવર્ગના લોકો રહે છે. જેઓને સ્માર્ટ મીટરની એપ્લિકેશનમાં પણ કાંઈ ખબર પડતી. એવા સંજોગોની અંદર સ્માર્ટ મીટરના નાખવામાં આવ્યું,એ સૌથી મોટામાં મોટી ભૂલ છે. સ્માર્ટ મીટર નાખવું હોય તો જ્યાં વીઆઈપી લોકો રહેતા હોય એ જગ્યા પર નાખો. બાકી ગરીબ અને મધ્યમ વર્ગના વિસ્તારમાં નાખી લૂંટનો ધંધો ચાલુ કર્યો હોવાના આક્ષેપ સાથે સ્માર્ટ મીટરનો સખત વિરોધ કરવામાં આવ્યો હતો.

આવક કરતા લાઈટ બીલ ડબલ થઈ ગયા
ડિજિટલ મીટર નાખવામાં આવ્યા છે એ મીટર અમને બહુ જ વધારે પડતા મુશ્કેલીમાં મૂકે છે. એમાં લાઈટ બિલ પણ એટલું બધું આવી રહ્યું છે. પહેલાના મીટર જે હતા. એમાં બે મહિને એકવાર લાઈટ બિલ આવતું હતું. જ્યારે અત્યારે લાઈટ બિલ મહિને આવે છે. જે અમને પોષાતું નથી એટલું બધું આવે છે. મીટરના ચાર્જીસ પણ વધારે છે. અમારી જે આવક છે એના કરતા એ ડબલ થઈ ગયા છે. અમારી માંગ છે કે, આ સ્માર્ટ મીટર કાઢી જાવ અને મારા જૂના મીટર આપી દો : સુરેખા બેન,સ્થાનિક
જૂના મીટર કરતા સ્માર્ટ મીટરના ત્રણ ગણું વધારે બીલ આવી રહ્યું છે
જૂનામાં આટલું બધું લાઈટ બિલ આવતું ન હતું. પહેલા 1500 રૂપિયા બિલ આવતું હતું. અત્યારે ત્રણ ચાર ગણું આઠ હજાર જેટલું બિલ આવી રહ્યું છે. એક જણ કમાનાર હોય અને આઠ હજાર રૂપિયા લાઈટ બિલના ભરવાના તો ભણાવવાના છોકરાઓને ક્યાં ? ખાવાનું કે લાઈટ બિલ ભરવાના, જવું તો જવું ક્યાં. સરકાર કહે છે અચ્છે દિન આયેંગે, તો ક્યારે આવશે. મધ્યમવર્ગના લોકો અહીંયા રહે છે. અહીંયા સાનુ સ્માર્ટ મીટર મૂક્યું છે. અમારી માંગ છે કે સ્માર્ટ મીટર પાછા લઈ જાવ અમને અમારા જૂના મીટર જ જોઈએ છીએ : મધુબેન,સ્થાનિક