Vadodara

સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ

કર્મચારીઓએ કામગીરી પડતી મૂકી પરત ફરવું પડ્યું
“અમે મધ્યમ વર્ગના છીએ, લૂંટાવા નથી માંગતા” – મહિલાઓનો તીખો આક્રોશ

(પ્રતિનિધિ) વડોદરા, તા.20
વડોદરા શહેરમાં સ્માર્ટ મીટરને લઈને જનતાનો રોષ હજુ શમ્યો નથી ત્યાં ફરી એકવાર નિઝામપુરા વિસ્તારમાં સ્માર્ટ મીટર લગાવવાની કાર્યવાહી સામે ભડકો થયો હતો. શનિવારે સવારે નિઝામપુરા સ્થિત મેથોડિસ્ટ ચર્ચ કમ્પાઉન્ડમાં સ્માર્ટ મીટર બદલવા પહોંચેલી મધ્ય ગુજરાત વીજ કંપનીની ટીમનો સ્થાનિક રહિશોએ ઉગ્ર વિરોધ કર્યો હતો. પરિસ્થિતિ તંગ બનતા વીજ કર્મચારીઓએ કામગીરી અડધામાં છોડી પરત ફરવું પડ્યું હતું.
સ્થાનિક રહિશોના જણાવ્યા અનુસાર, કોઈપણ પૂર્વ સૂચના વિના અચાનક શનિવારે સવારે મીટર બદલવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. કમ્પાઉન્ડમાં વર્ષોથી વસવાટ કરતા અંદાજે 16 પરિવારોના જૂના મીટર કાઢી સ્માર્ટ મીટર નાખવાની જબરજસ્તી થતાં લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. રહિશોએ એકત્ર થઈને કામગીરી અટકાવી હતી અને સ્થળ પર જ હોબાળો મચાવ્યો હતો.

પરિસ્થિતિ વણસતા સ્થાનિકોએ તાત્કાલિક સ્થાનિક મહિલા કાઉન્સિલરને જાણ કરી હતી. કાઉન્સિલર સ્થળ પર પહોંચીને વીજ કર્મચારીઓ સાથે ઉગ્ર દલીલો કરી હતી. લોકોના એકસાથે થયેલા વિરોધ અને કાઉન્સિલરની રજૂઆત બાદ અંતે વીજ કંપનીની ટીમે કામગીરી પડતી મૂકી ત્યાંથી પરત ફરવું પડ્યું હતું.
આ સમયે મહિલાઓનો આક્રોશ ખાસ જોવા મળ્યો હતો. મહિલાઓએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, “અમે મધ્યમ વર્ગના લોકો છીએ. સ્માર્ટ મીટરના નામે લૂંટાવા નથી માંગતા. વધારાના બિલ અમને પોસાય તેમ નથી.” રહિશોએ આક્ષેપ કર્યો હતો કે સ્માર્ટ મીટરમાં હજારોના બદલે લાખો રૂપિયાના બિલ આવવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે, જેના કારણે તેઓ ભયમાં છે.

સ્થાનિક રહિશોએ વધુમાં જણાવ્યું હતું કે, તેમના જૂના મીટર સંપૂર્ણપણે યોગ્ય રીતે ચાલી રહ્યા છે અને હજુ એક વર્ષ પહેલા જ નવા મીટર લગાવવામાં આવ્યા હતા. એવી સ્થિતિમાં ફરીથી સ્માર્ટ મીટર લાદવાનો પ્રયાસ અયોગ્ય છે. રહિશોએ કડક ચેતવણી આપતા જણાવ્યું હતું કે, ભવિષ્યમાં જો ફરીથી જબરજસ્તી સ્માર્ટ મીટર લગાવવાનો પ્રયાસ થશે તો સખત વિરોધ કરવામાં આવશે અને કર્મચારીઓને કમ્પાઉન્ડમાં પ્રવેશ આપવામાં આવશે નહીં.
સ્માર્ટ મીટર મુદ્દે શહેરના અલગઅલગ વિસ્તારોમાં ઉઠતો જનરોષ હવે તંત્ર માટે ચેતવણીરૂપ સાબિત થઈ રહ્યો છે. લોકોમાં વિશ્વાસ જાગે તેવી સ્પષ્ટતા કર્યા વગર સ્માર્ટ મીટર લાદવાની નીતિ સામે અસંતોષ વધુ ભડકવાની શક્યતા નકારી શકાય તેમ નથી.

Most Popular

To Top